
ગુજરાતમાં: ત્રણેક દિવસની મેઘસવારી બાદ હવે વરસાદનુ જોર ધીમુ પડયુ છે, આજે સવારથી છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા-હળવો વરસાદ હતો. છેલ્લા ચોવિસ કલાકમાં 226 તાલુકામાં પાણી વરસ્યુ હતું છતાં સૌથી વધુ 69 મીમી વરસાદ રાજકોટમાં નોંધાયો હતો. આ સાથે ગુજરાતમાં સીઝનનો 69.36 ટકા વરસાદ થઈ ગયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવિસ કલાક દરમ્યાન 226 તાલુકાઓમાં પાણી વરસવા છતાં વરસાદનું જોર ધીમુ પડી ગયુ હતું. સૌથી વધુ 69 મીમી વરસાદ રાજકોટમાં નોંધાયો હતો તેના પરથી મેઘરાજા ધીમા પડયાનુ સાબીત થઈ જાય છે. બંગાળની ખાડીને આગળ ધપેલી ડીપ ડીપ્રેશન

સીસ્ટમ શનિવારથી જ નબળી પડવા લાગી હતી એટલે વરસાદનુ જોર ધીમુ પડવા લાગ્યુ હતું. આજથી વરસાદી ગતિવિધિમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદના આ રાઉન્ડ બાદ સીઝનનો કુલ વરસાદ 69.66 ટકાએ પહોંચી ગયો છે. ચોમાસામાં સરેરાશ 90.88 મીમીની સામે 630.43 મીમી પાણી વરસી ગયુ છે. રાજયમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 95.74 ટકા વરસાદ વરસ્યો છે.

મધ્ય ગુજરાતમાં 65.75 ટકા, સૌરાષ્ટ્રમાં 54.47 ટકા, ઉતર ગુજરાતમાં 51.16 ટકા તથા કચ્છમાં 29.05 ટકા વરસાદ થયો છે. રાજયના અનેક ભાગોમાં બે રાઉન્ડ દરમ્યાન મેઘરાજાએ તાંડવ સર્જયુ હતું. સુરત, વલસાડ, નવસારી, અમદાવાદ જેવા શહેરો-જીલ્લાઓમાં અતિ ભારે વરસાદ થયો હતો તેના પરિણામે 35 તાલુકામાં અત્યાર સુધીમાં 40 ઈંચથી પણ વધુ વરસાદ થઈ ગયો છે. 79 તાલુકામાં 20થી40 ઈંચ, 117 તાલુકામાં 10થી20 ઈંચ, 27માં 5થી10 ઈંચ અને 10 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ થયો છે.






















