HomeAllહોર્મુઝથી ભારત માટે આવી 'ખુશખબર', બે દેશની ડિલથી ભારતને ફાયદો, હવે ધડાધડ...

હોર્મુઝથી ભારત માટે આવી ‘ખુશખબર’, બે દેશની ડિલથી ભારતને ફાયદો, હવે ધડાધડ આવશે ઓઈલ અને LPGના ટેન્કર

ઈરાન-અમેરિકા: વચ્ચેના તણાવ દરમિયાન દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો પૈકીના એક એવા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ચિંતાનો વિષય બન્યો હતો. આ જળમાર્ગ પરથી દુનિયાના અંદાજે 20 ટકા તેલ અને ગેસનો વેપાર થાય છે. જહાજોની અવરજવર પ્રભાવિત થતાં ભારત સહિત અનેક દેશોમાં તેલ અને ગેસની સપ્લાય તેમજ કિંમતો પર અસર જોવા મળી હતી. હવે આ મુદ્દે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે ઓમાને એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના પર ઈરાન સકારાત્મક વલણ દાખવી રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રીએ આપી માહિતી – ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને ઈરાન અને ઓમાન વચ્ચેની ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

સરકારી સમાચાર એજન્સી IRNAના અહેવાલ મુજબ કેબિનેટ બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને હવે સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો આ સમજૂતી થાય તો ખાડી દેશો ઉપરાંત તેલ આયાત કરતા એશિયાના અન્ય દેશો (જેમાં ભારત પણ સામેલ છે)ને પણ મોટો ફાયદો થઈ શકે છે. ઈરાનનું વિદેશ મંત્રાલય શું બોલ્યું? – ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘેઈએ સ્પષ્ટ કર્યું છે કે, આ ચર્ચા હોર્મુઝ જળમાર્ગને ખોલવા કે બંધ રાખવા અંગે નથી.

તેમના જણાવ્યા મુજબ બંને દેશો ‘ટ્રાફિક સેપરેશન સ્કીમ’ હેઠળ જહાજોની અવરજવર માટે નવો માર્ગ નક્કી કરવાની દિશામાં કામ કરી રહ્યા છે, જેથી બંને દેશોના સાર્વભૌમ અધિકારો, ઈરાનની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું પણ રક્ષણ થઈ શકે. ઈરાનના સંરક્ષણ મંત્રીએ કરી ટ્વિટ – બીજી તરફ ઈરાનના કાર્યકારી સંરક્ષણ મંત્રી સૈયદ માજિદ ઇબ્ન અલ-રેઝાએ અમેરિકાની ધમકીઓને ગંભીરતાથી લેવાની વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ઈરાન દરેક ધમકીને હકીકત માને છે અને તેનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા હુમલા નહીં કરવાની વાત કરી હતી.

હોર્મુઝમાં મુક્ત અવરજવરની વાત – ઈરાને અગાઉ જણાવ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગનો સંચાલન ઓમાન સાથે મળીને કરવામાં આવે અને ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી સેવા શુલ્ક લેવામાં આવે. જોકે, તે સમયે ઓમાને આ વિચારનો વિરોધ કર્યો હતો અને હોર્મુઝને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાવી મુક્ત અવરજવરનું સમર્થન કર્યું હતું. હવે ઓમાનના નવા પ્રસ્તાવમાં પણ મુક્ત અવરજવરની જ વ્યવસ્થા પર ભાર મૂકાયો છે, પરંતુ જો કોઈ સેવા શુલ્ક લેવામાં આવે તો તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે તેવી જોગવાઈનો પણ ઉલ્લેખ કરાયો છે. ભારત માટે ઓમાન બન્યું સંકટમોચક – આ પ્રસ્તાવ ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે.

જો હોર્મુઝ જળમાર્ગનું સંચાલન ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે કરે તો ભારત જેવા દેશોને વધુ સ્થિર અને સુરક્ષિત સપ્લાય ચેઇનનો લાભ મળી શકે છે. ભારતના ઓમાન સાથે ઐતિહાસિક અને મજબૂત સંબંધો રહ્યા છે, જ્યારે ઈરાન સાથે પણ ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ સંબંધો છે. તાજેતરમાં હોર્મુઝ વિસ્તારમાં હુમલામાં ફસાયેલા ભારતીય નાવિકોને સુરક્ષિત બહાર કાઢવામાં પણ ઓમાનની સેનાએ મદદ કરી હતી. તેથી ભવિષ્યમાં કોઈ નવી વ્યવસ્થા અમલમાં આવે તો ભારતને તેલ અને LPG સપ્લાયમાં રાહત મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments