HomeAllમાળીયા-સુરજબારી 8 લેન અને શિકારપુર-મેવાસા 6 લેન માર્ગ માટે રૂ. 2100 કરોડની...

માળીયા-સુરજબારી 8 લેન અને શિકારપુર-મેવાસા 6 લેન માર્ગ માટે રૂ. 2100 કરોડની મંજૂરી: સાંસદ વિનોદ ચાવડા

મોરબી: કચ્છ અને મોરબી વિસ્તારની મહત્વપૂર્ણ માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર માળીયા-સામખિયાળી વિભાગના ક્ષમતા વધારવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. માળીયા-સુરજબારી માર્ગને 8 લેન બનાવવા રૂ. 1300 કરોડ તેમજ શિકારપુર-મેવાસા 6 લેન માર્ગ માટે રૂ. 800 કરોડ મળી કુલ રૂ. 2100 કરોડની મંજૂરી આપવામાં આવી હોવાનું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું છે.

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે કચ્છના ધારાસભ્યો અને સ્થાનિક જનતા દ્વારા લાંબા સમયથી આ માર્ગોના વિસ્તરણની માંગ કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ માંગને હકારાત્મક પ્રતિસાદ આપી મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને આવકારતાં સાંસદે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંજૂર પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27ના માળીયાથી સામખિયાળી સુધીના હાલના 41.75 કિમી લાંબા હાઇવેને 8 લેન બનાવવામાં આવશે. આ ઉપરાંત સુરજબારી અને મેવાસા વચ્ચે 20.40 કિમી લાંબો 6 લેન ગ્રીનફિલ્ડ બાયપાસ તૈયાર કરવામાં આવશે.

NH-27નો આ વિભાગ પૂર્વ-પશ્ચિમ કોરિડોરનો મહત્વપૂર્ણ ભાગ છે. તે દીનદયાળ (કંડલા), મુન્દ્રા અને નવલખી જેવા મુખ્ય બંદરોને મોરબી, જામનગર અને કચ્છના ઔદ્યોગિક વિસ્તારો સાથે જોડતી મહત્વપૂર્ણ પરિવહન કડી તરીકે કાર્ય કરે છે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં માલવાહક અને ભારે વાણિજ્યિક વાહનોની અવરજવર થતી હોવાથી હાલ ટ્રાફિકનું ભારણ અને ભીડ જોવા મળે છે.

પ્રસ્તાવિત 6 લેન ગ્રીનફિલ્ડ બાયપાસથી ટ્રાફિકને ટૂંકો અને વધુ સુગમ માર્ગ મળશે, જ્યારે હાલના હાઇવેને 8 લેન બનાવવાથી વાહન વહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. સાથે જ માર્ગ સલામતીમાં સુધારો થશે અને મુસાફરો તથા માલવાહક વાહનોની અવરજવર વધુ ઝડપી અને સરળ બનશે.

આ પ્રોજેક્ટથી કચ્છ, મોરબી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનું બંદરો સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે. લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો થવાની સાથે વેપાર-ઉદ્યોગને વેગ મળશે અને સમગ્ર વિસ્તારના આર્થિક તથા માળખાકીય વિકાસને નવી ગતિ મળશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments