HomeAllમહાપાલિકાની નવી બિલ્ડિંગમાં અઢી મહિનામાં જ ક્ષતિઓ: છતમાંથી પાણી ટપકતાં કામગીરીની ગુણવત્તા...

મહાપાલિકાની નવી બિલ્ડિંગમાં અઢી મહિનામાં જ ક્ષતિઓ: છતમાંથી પાણી ટપકતાં કામગીરીની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ

મોરબી: મોરબી મહાનગરપાલિકાની કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી નવી વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ થયાને હજુ અઢી મહિના જેટલો સમય જ થયો છે, ત્યારે પ્રથમ ભારે વરસાદમાં જ બિલ્ડિંગમાં ગંભીર ક્ષતિઓ સામે આવતાં કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. બિલ્ડિંગની અગાસી પર યોગ્ય લેવલિંગના અભાવે વરસાદી પાણી ભરાઈ રહેતાં અનેક સ્થળોએ છતમાંથી પાણી ટપકવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, મોરબી નગરપાલિકા દ્વારા વર્ષ 2018માં નવી વહીવટી બિલ્ડિંગના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતના બે-ત્રણ વર્ષ કામગીરી ચાલ્યા બાદ વિવિધ કારણોસર કામ લાંબા સમય સુધી અટકી ગયું હતું. બાદમાં મહાનગરપાલિકા બન્યા પછી નવી ડિઝાઇન સાથે ઉપર એક વધારાનો માળ ઉમેરીને કરોડો રૂપિયાના ખર્ચે બાકીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગનું લોકાર્પણ થયા બાદ તમામ કચેરીઓને નવી બિલ્ડિંગમાં ખસેડવામાં આવી હતી.

તાજેતરમાં મોરબીમાં પડેલા ભારે વરસાદ બાદ બિલ્ડિંગની અગાસી પર પાણીનો યોગ્ય નિકાલ ન થતાં અને લેવલિંગમાં ખામી હોવાને કારણે પાણીનો ભરાવો થયો હતો. વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું હોવા છતાં પાણી નીચેના માળ સુધી ટપકતાં અનેક કચેરીઓ પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. પદાધિકારીઓની ચેમ્બરો ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની ચેમ્બરમાં પણ છતમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવતાં નિર્માણકાર્યની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિ પડસુંબિયાએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં હજુ કેટલાક સ્થળે ફ્લોરિંગમાં ટાઈલ્સના ટુકડા લગાવી લેવલિંગ કરવાનું કામ બાકી છે. જ્યાં પાણી ભરાય છે ત્યાં લેવલિંગ સુધારી ખામીઓ દૂર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે સંબંધિત એજન્સી અને કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવી તમામ ખામીઓ તાત્કાલિક દૂર કરવાની કડક સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને હજુ અંતિમ હપ્તાની ચુકવણી બાકી હોવાથી બાકી રહેલું તેમજ સુધારણા સંબંધિત તમામ કામ જૂના ટેન્ડરની જ શરતો હેઠળ અને કોઈ વધારાના ખર્ચ વિના પૂર્ણ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની આ બિલ્ડિંગનું નિર્માણ ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવ્યું છે. શરૂઆતમાં નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ લાંબા વિરામ પછી મહાનગરપાલિકાએ પ્લાસ્ટર, ફર્નિચર સહિતનું બાકીનું કામ પૂર્ણ કર્યું હતું તેમજ ત્રીજા માળે કમિશનરની કચેરી માટે નવા ચેમ્બરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્રણ તબક્કામાં ટેન્ડરમાં વધારો કરીને પૂર્ણ થયેલી આ બિલ્ડિંગમાં લોકાર્પણના અઢી મહિનામાં જ ક્ષતિઓ સામે આવતાં કામગીરીની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments