HomeAllમોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

જનહિતના પ્રશ્નો, જાહેર સેવાઓ અને વિકાસ કામોની પ્રગતિની કરાઈ સઘન સમીક્ષા

મોરબી, તા. 17 જુલાઈ : મોરબી જિલ્લામાં સરકારી સેવાઓને વધુ સુદ્રઢ, ઝડપી અને લોકાભિમુખ બનાવવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ જનહિતના પ્રશ્નો તેમજ પ્રગતિ હેઠળના વિકાસલક્ષી કામોની વિસ્તૃત સમીક્ષા કરી સંબંધિત વિભાગોને સમયબદ્ધ કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં કલેક્ટરે વહીવટી કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ‘ઈ-સરકાર’ના અસરકારક અમલીકરણની સમીક્ષા કરી હતી. વિવિધ વિભાગોમાં પેન્ડિંગ રહેલી ફાઈલોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત, વિવિધ સરકારી અને જનકલ્યાણના વિકાસલક્ષી કાર્યો માટે જરૂરી જમીનની માપણી અને ફાળવણી સંબંધિત iORA પોર્ટલ પર પ્રાપ્ત અરજીઓની સ્થિતિની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંકલન બેઠક દરમિયાન ચોમાસાના વરસાદી પાણીના નિકાલ, ગંદકીની સમસ્યાના નિવારણ, રમત-ગમત માટે નવા મેદાનની રચના તેમજ રેલવે ઓવરબ્રિજની મંજૂરી જેવા મહત્વના લોકહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા મીઠા અને બ્રોમીનના ઉત્પાદન માટે જમીનની માંગણી અંગે રજૂઆતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

મોરબી-હળવદ રોડ તથા રવાપર-ઘુનડા-જડેશ્વર માર્ગ પર થયેલા નુકસાન અંગે રજૂ થયેલા પ્રશ્નોની નોંધ લઈ કલેક્ટરે સંબંધિત વિભાગને અગ્રતાના ધોરણે માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

આ બેઠકની સાથે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સુદ્રઢ બનાવવા માટે સસ્તા અનાજની દુકાનો દ્વારા કાર્ડધારકોને અપાતા રાશનના વિતરણ, સેવા ગુણવત્તા તેમજ પીએમ પોષણ યોજનાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ ચાલી રહેલા વિકાસ કામો તથા જિલ્લાના અન્ય મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબીના પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments