
પડધરી તાલુકામાં શરૂ થયેલા ખેડૂતોના પ્રતીક ઉપવાસ કાર્યક્રમને ગુજરાત ખેડૂત છાવણી (જેતપર) દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા અને કેટલાક ન્યૂઝ માધ્યમોમાં ચાલી રહેલી અફવાઓનો છેદ ઉડાવતા ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં પણ બિનરાજકીય રીતે ખેડૂતોના હકો માટે લડત અપાશે, ત્યાં જેતપર ખેડૂત સમિતિ હંમેશા સાથે રહેશે.

ખેડૂત આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી એવો ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે પડધરીમાં યોજાઈ રહેલા પ્રતીક ઉપવાસને ગુજરાત ખેડૂત છાવણી (જેતપર)નું સમર્થન નથી. આ વાતને તેમણે સદંતર ખોટી ગણાવીને રદિયો આપ્યો હતો.

આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિત અને અધિકારો માટે યોજાતા દરેક બિનરાજકીય કાર્યક્રમમાં ગુજરાત ખેડૂત છાવણી મોખરે રહીને સહયોગ આપતી આવી છે અને ભવિષ્યમાં પણ રાજ્યના કોઈપણ જિલ્લા કે તાલુકામાં ખેડૂતોના હિતમાં યોજાનારા કાર્યક્રમોને સંપૂર્ણ સમર્થન આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિનરાજકીય મંચ ખેડૂતોને એકતાના સૂત્રમાં બાંધવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આવા મંચ પર દરેક વિચારધારાના ખેડૂતો નિર્ભયતાથી જોડાઈ શકે છે, જેના કારણે ખેડૂતોની એકતા વધુ મજબૂત બને છે.

ખેડૂત આગેવાનોએ અંતમાં પુનરોચ્ચાર કર્યો હતો કે જ્યાં પણ બિનરાજકીય રીતે ખેડૂતોના હકો અને પ્રશ્નોની લડત લડવામાં આવશે, ત્યાં ગુજરાત ખેડૂત છાવણી (જેતપર) સંપૂર્ણ શક્તિ સાથે ખભેખભો મિલાવીને ઉભી રહેશે.




















