
મોરબી: જિલ્લા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 54 વર્ષથી જુલાઈ મહિનાના છેલ્લા રવિવારે યોજાતી પરંપરાગત સરસ્વતી સન્માન સમારોહની ઉજવણી આ વર્ષે પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી. લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા સમારોહમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહમાં ધોરણ 5થી અનુસ્નાતક કક્ષા સુધીના આશરે 120 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી સમાજનું ગૌરવ વધારનાર પ્રતિભાવંત વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ મહીપતસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરદેવસિંહ જાડેજા, ઉદ્યોગપતિ દિલુભા ઉદયસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ નિરૂભા બેચુભા ઝાલા તેમજ મોરબી નાયબ કલેક્ટર પ્રવિણસિંહ જેતાવત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન સમય શિક્ષણનો યુગ છે અને યુવા પેઢીએ શિક્ષણને પ્રાથમિકતા આપી વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમાજના અન્ય આગેવાનો અને અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓ તથા યુવાનોને વ્યસન અને ફેશનના અતિરેકથી દૂર રહી શિક્ષણ, કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા, મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




















