
મોરબી : ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચનાઓ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની ચીકણી જાળ એટલે કે ‘ગ્લુ-ટ્રેપ’ (ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સંયુક્ત પશુપાલન નિયામક તથા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ તરફથી આપવામાં આવેલી સત્તાવાર વિગતો અનુસાર, ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે ઉપયોગમાં લેવાતી ગ્લુ-ટ્રેપ અત્યંત ઘાતક અને અમાનવીય ગણાય છે. આવા સાધનોના ઉપયોગથી જીવજંતુઓને લાંબા સમય સુધી અસહ્ય પીડા અને વેદના ભોગવવી પડે છે, જે પ્રાણી ક્રૂરતા નિવારણ સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો બને છે.

જાહેરનામા મુજબ આ પ્રતિબંધ ૧૯ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઈપણ વ્યક્તિ, વેપારી, ઉત્પાદક અથવા સંસ્થા ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરતી ઝડપાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લા પ્રશાસન દ્વારા વેપારીઓ અને નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા તેમજ પ્રાણી કલ્યાણ સંબંધિત કાયદાઓ અંગે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.

























