HomeAllમોરબી : રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મોરબી સબ જેલ ખાતે ‘ઇન્ટેન્સીફાઇડ...

મોરબી : રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મોરબી સબ જેલ ખાતે ‘ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પ’ યોજાયો

મોરબી : ‘ટી.બી. મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ હેઠળ જેલના બંદીવાનોના આરોગ્ય સ્ક્રીનિંગ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કન્ટ્રોલ યુનિટ (DAPCU)-મોરબી, જેલ પ્રશાસન, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી-અમદાવાદ, એલાઇન્સ ઇન્ડિયા-દિલ્હી અને GSNP+ ના સંયુક્ત ઉપક્રમે મોરબી સબ જેલ ખાતે ‘ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પેઇન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં આ કેમ્પની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

આ કેમ્પેઇનની વિશેષતા તરીકે અદ્યતન હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા બંદીવાનોના ચેસ્ટ એક્સ-રે કરી ટી.બી.ના ઝડપી નિદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે એચ.આઇ.વી. તથા સિફિલીસના નિદાન માટે પણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતની વિવિધ જેલોમાં રહેલા અંદાજે ૨૦,૦૦૦થી વધુ બંદીવાન ભાઈ-બહેનોના સ્વાસ્થ્ય પરીક્ષણને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

મોરબી સબ જેલ ખાતે યોજાયેલા આ કેમ્પ દરમિયાન જેલના તમામ બંદીવાનોનું પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નવા ૫૫ બંદીવાનોનું સઘન ચેક-અપ કરવામાં આવતા ૦૫ શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા. આ તમામના સેમ્પલ વધુ તપાસ અને ચોક્કસ નિદાન માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. આગામી સમયમાં જેલના તમામ બંદીવાનોનું દૈનિક ધોરણે આરોગ્ય ચેક-અપ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.

આ આરોગ્યલક્ષી કેમ્પને સફળ બનાવવા સુભિક્ષા પ્રોજેક્ટના પ્રિઝન કો-ઓર્ડિનેટર મીનાબેન પરમાર, જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તથા મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા સહિતની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments