HomeAllમોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં પૂરો ટ્રક તણાઈ ગયો

મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં પૂરો ટ્રક તણાઈ ગયો

તમામ વાહનો માટે રસ્તો બંધ થઈ જતા લાઈનો લાગી

મોરબી: જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરુવારે રાતના 10 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને સ્થાનિક જળાશયો તથા નદી નાળામાં પાણી આવી જવાના કારણે કેટલાક રસ્તાઓ બંધ છે ત્યારે મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર આવેલ કોઝવેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરતા આખે આખો ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો.

હાલમાં રોડ ઉપર પાણી આવી જવાના કારણે આ રસ્તો વાહનો માટે બંધ થઈ ગયો છે મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકાની અંદર ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારના 6:00 વાગ્યાથી અત્યાર સુધીની વાત કરીએ તો વાંકાનેર તાલુકા વિસ્તારમાં 106 એમએમ એટલે કે 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં તથા નદી નાળામાં વરસાદી પાણીની આવક થવા લાગી છે.

ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડીથી આગળના ભાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા કોઝવેમાં પણ પાણીનો પ્રવાહ આવી ગયો છે અને પાણીના કારણે હાલમાં આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ થયો છે તેમજ સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે કોઝવેમાં રોડ ઉપર પાણી આવી ગયું હતું તેમ છતાં પણ એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ત્યારે કોઝવેમાં વધુ પ્રમાણમાં પાણી હોવાના કારણે ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો. જો કે હાલમાં પણ તે રસ્તા ઉપર વરસાદી પાણી હોવાના કારણે રિક્ષા, બાઇક, સ્કૂટર તેમજ ટ્રક સહિતના ભારે વાહનો માટે પણ આ રસ્તો બંધ થઈ ગયો છે જેથી કરીને રસ્તાની બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments