
મોરબી : રાજ્યમાં પુનઃ સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમને પગલે આગામી 3 ઓગસ્ટ સુધી ભારે પવન સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા વહીવટી તંત્રને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. નાગરિકોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરી આગામી સૂચના સુધી હેડક્વાર્ટર ન છોડવા જણાવાયું છે. તાલુકા અને ફિલ્ડ કક્ષાના અધિકારીઓને પણ સંભવિત ભારે વરસાદની સ્થિતિમાં સતત સતર્ક રહી તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

નદીકાંઠા, નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવા તેમજ જરૂર જણાય ત્યાં નાગરિકોને સમયસર સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા આદેશ અપાયા છે. સાથે પશુધનની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા અને શેલ્ટર હોમમાં ભોજન, પીવાનું પાણી, વીજળી તથા તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે બોટ, જેસીબી, પંપ અને જનરેટર સહિતના જરૂરી સાધનો અને સંસાધનોનું મેપિંગ કરી રેસ્ક્યુ ટીમોને સંવેદનશીલ સ્થળોએ અગાઉથી તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ દરમિયાન જોખમી બ્રિજ, કોઝ-વે અથવા પાણી ફરી વળેલા માર્ગો પરથી વાહનવ્યવહાર અટકાવવા અને જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવાયું છે. ભારે પવનને ધ્યાનમાં રાખીને જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષોની જોખમી ડાળીઓ દૂર કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમમાં વર્ગ-1 અધિકારીઓની નિમણૂક કરી પરિસ્થિતિ પર સતત નજર રાખવા તથા વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સંકલન જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષા અને ફિલ્ડ પરના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.

મોરબી જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન નદી-નાળા, કોઝ-વે અને પાણી ભરાયેલા જોખમી વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ન કરવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

















