HomeAllમોરબી: લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

મોરબી: લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

તા. 19/4ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ)નું શ્રેષ્ઠ મુહૂર્ત હોય, રાજ્યભરમાં અનેક લગ્નપ્રસંગો યોજાનાર છે. આ પવિત્ર અવસરે ક્યાંય પણ બાળલગ્ન જેવું સામાજિક દૂષણ ન સર્જાય તે હેતુથી મોરબી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. બાળલગ્નો અટકાવવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિભાગ દ્વારા વિવિધ હેલ્પલાઇન નંબરો જાહેર કરી લોકસહયોગની અપીલ કરવામાં આવી છે.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ, દીકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને દીકરાના લગ્ન 21 વર્ષ પહેલા કરવા એ અપરાધ છે. બાળલગ્નને કારણે બાળકોના માનસિક અને શારીરિક આરોગ્ય પર વિપરીત અસરો પડે છે, જે તેમના ભવિષ્યને રૂંધે છે.

આ કાયદા હેઠળ જોગવાઈ છે કે, બાળલગ્ન કરાવનાર કે તેમાં સહભાગી થનાર વ્યક્તિને 2 વર્ષ સુધીની સખત કેદ અને રૂ. 1 લાખ સુધીના દંડની શિક્ષા થઈ શકે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેશનના માલિકો અને ફોટોગ્રાફર્સને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ વર-ક્ધયાના ઉંમરના પુરાવાની ખાતરી કર્યા બાદ જ લગ્ન વિધિ સંપન્ન કરે.

જો ક્યાંય પણ બાળલગ્ન થતા હોવાની માહિતી મળે, તો જાગૃત નાગરિક તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી,(02822) 242533, જિલ્લા બાળ સુરક્ષા એકમ (02822) 240098, ચાઇલ્ડ લાઇન 1098, પોલીસ કંટ્રોલ રૂમ 100,મહિલા અભયમ હેલ્પલાઇન:181 પૈકી કોઈ નંબરો ઉપર તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ છે.

અખાત્રીજના દિવસે મોરબી જિલ્લો બાળલગ્ન મુક્ત રહે અને બાળકોનું બાળપણ સુરક્ષિત રહે તે માટે તમામ નાગરિકોને સક્રિય ભૂમિકા ભજવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments