
મોરબી : આગામી ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં ડ્રેનેજ મેનહોલ તેમજ સ્ટ્રોમ વોટર નેટવર્કની સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ સોસાયટી વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને નીચાણવાળા અને ગીચ વસાહત ધરાવતા વિસ્તારોમાં આવેલા મેનહોલની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચોમાસામાં ગટર ઉભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે જેટિંગ અને સુપર સકર મશીનો દ્વારા લાઈનોમાં જામેલો કચરો અને ગાદ દૂર કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે બનાવવામાં આવેલી સ્ટ્રોમ વોટર લાઈનોની પણ સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. લાઈનોના એક્ઝિટ પોઈન્ટ અને કેચપીટમાં ફસાયેલો પ્લાસ્ટિક તથા અન્ય કચરો દૂર કરી પાણીનો પ્રવાહ અવરોધ રહિત બનાવવામાં આવી રહ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા માનવ શ્રમની સાથે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે, જેથી ટૂંકા સમયમાં શહેરના વધુ વિસ્તારોમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી શકાય.

ચોમાસા દરમિયાન ઊભી થતી આપત્તિઓ અને નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરના તમામ 13 વોર્ડમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં આ સફાઈ અભિયાન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પાણી ભરાવાની કોઈપણ સ્થિતિ ઊભી ન થાય તે માટે કામગીરીનું સીધું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
























