
મોરબી, તા. 15 જુલાઈ: મોરબી જિલ્લામાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ જેલ નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી સબ જેલની મુલાકાત લઈ જેલની સુરક્ષા, વહીવટી વ્યવસ્થા અને કેદીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે જેલના વિવિધ સત્તાવાર રજિસ્ટર્સ, કેદીઓના મુલાકાતીઓ અંગે રાખવામાં આવતા રેકોર્ડ તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેલમાં અમલમાં રહેલી સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ત્યારબાદ તેમણે જેલની વિવિધ બેરેકની મુલાકાત લઈ કેદીઓ સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો. કેદીઓના સ્વાસ્થ્ય, દૈનિક જીવન, રહેઠાણ અને જેલ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી મેળવી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ જાણ્યા હતા. ઉપરાંત, કેદીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની ખાતરી કરવા માટે જિલ્લા કલેક્ટરે જાતે ભોજનનો સ્વાદ ચાખી તેની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેક્ટરે જેલના ટોઇલેટ, બાથરૂમ સહિતની સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. મહિલા કેદીઓની બેરેકમાં જઈ તેમણે મહિલાઓની સુરક્ષા, સલામતી, સ્વચ્છતા અને અન્ય આવશ્યક સુવિધાઓ અંગે વિશેષ નિરીક્ષણ કર્યું હતું.

સમગ્ર જેલ પરિસરનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા, જેલ નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા તેમજ કેદીઓના કલ્યાણ માટે જરૂરી સુવિધાઓ અને સુધારાત્મક પગલાંઓના અસરકારક અમલીકરણ અંગે જેલર સહિતના સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.




















