
મોરબી, તા. 15 જુલાઈ: મોરબી જિલ્લામાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ જેલ નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી સબ જેલની મુલાકાત લઈ જેલની વિવિધ વ્યવસ્થાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે જેલના વિવિધ સત્તાવાર રજિસ્ટર્સ તેમજ કેદીઓના મુલાકાતીઓ અંગે રાખવામાં આવતા રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી.

કલેક્ટરે જેલની વિવિધ બેરેકની મુલાકાત લઈ કેદીઓ સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે કેદીઓના સ્વાસ્થ્ય, દૈનિક જીવન અને જેલ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત, જેલમાં કેદીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે ખાતરી કરવા માટે તેમણે જાતે ભોજનનો સ્વાદ ચાખીને તેની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટરે જેલના ટોઇલેટ અને બાથરૂમ સહિતની સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. મહિલા કેદીઓની બેરેકમાં જઈ તેમણે મહિલાઓની સુરક્ષા, સલામતી તેમજ સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાઓનું વિશેષ નિરીક્ષણ કર્યું હતું.

સમગ્ર જેલ પરિસરનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ કેદીઓ માટે જરૂરી સુવિધાઓ અને સુધારાત્મક પગલાંઓના અસરકારક અમલીકરણ અંગે જેલર સહિતના સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.





















