
મોરબીમાં રહેતો અને ધો.1માં અભ્યાસ કરતો 12 વર્ષનો બાળક ઈલેકટ્રીક તાર પર બેઠેલા કબુતર પકડવા જતો હતો ત્યારે વીજ પોલને અડતાની સાથે જ કરંટ લાગતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. બાળકનું વીજશોકથી મોત નિપજતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં વાવડી રોડ પર આવેલ લાભશુભ સોસાયટીમાં રહેતો કરણ ઉર્ફે કલ્લો દિનેશભાઈ દેગામા નામનો 12 વર્ષનો બાળક સાંજના સમયે પોતાના ઘર પાસે રહેલા વીજપોલને અડી જતાં વીજશોક લાગ્યો હતો.

માસુમ બાળકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક કરણ ઉર્ફે કલ્લો દેગામા ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો અને ધો.1માં અભ્યાસ કરતો હતો. ઘર પાસે ઈલેકટ્રીક તાર પર બેઠેલા કબુતરને પકડવા જતો હતો ત્યારે વીજપોલને અડી જતાં વીજ કરંટ લાગતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.





















