HomeAllમોરબીમાં તળાવો અને બગીચાઓના સર્વાંગી વિકાસને વેગ, સરકારની મંજૂરી બાદ નાની વાવડી...

મોરબીમાં તળાવો અને બગીચાઓના સર્વાંગી વિકાસને વેગ, સરકારની મંજૂરી બાદ નાની વાવડી તળાવને આઈકોનિક પીકનિક સ્પોટ તરીકે વિકસાવાશે

મોરબી, તા. 14 જુલાઈ : મોરબી શહેરના શહેરીજનોને હરવા-ફરવા માટે આધુનિક અને આકર્ષક સ્થળો ઉપલબ્ધ થાય તેમજ શહેરના સૌંદર્યમાં વધારો થાય તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા બાગ-બગીચા અને તળાવોના વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ શંકર આશ્રમ, કેસર બાગ, સૂરજ બાગ સહિત શહેરના વિવિધ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં જાહેર બાગ-બગીચાઓ અને મનોરંજનના સ્થળોના વિકાસ માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી છે. સૂરજ બાગના નવીનીકરણનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને આગામી 20 દિવસમાં તે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે કેસર બાગ અને શંકર આશ્રમના વિકાસ કાર્યો આગામી છ મહિનામાં પૂર્ણ કરવાની યોજના છે.

મ્યુનિસિપલ કમિશનરે શનાળા તળાવ અને લીલાપર તળાવની પણ મુલાકાત લઈ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ભવિષ્યના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા શહેરની હદમાં સમાવિષ્ટ નાની વાવડી ખાતે આવેલા તળાવને આઈકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે, જેના પરિણામે નાની વાવડી તળાવ મોરબીનું નવું આકર્ષણ અને પ્રવાસન કેન્દ્ર બની શકશે.

પ્રસ્તાવિત વિકાસ યોજના હેઠળ તળાવ ખાતે બોટિંગની સુવિધા, હરિયાળો બગીચો, આધુનિક જોગિંગ ટ્રેક, ફૂડ કોર્ટ, સિનિયર સિટીઝન પાર્ક, ભજન-કીર્તન માટે વિશેષ સ્થળ તેમજ આકર્ષક શિલ્પો અને લેન્ડસ્કેપિંગ જેવી વિવિધ સુવિધાઓ વિકસાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ મોરબી તથા આસપાસના વિસ્તારોના લોકો માટે પરિવાર સાથે સમય પસાર કરવા અને પ્રકૃતિની વચ્ચે આધુનિક સુવિધાઓનો આનંદ માણવા માટે એક ઉત્તમ પીકનિક ડેસ્ટિનેશન ઉપલબ્ધ બનશે.

મહાનગરપાલિકાનું માનવું છે કે શહેરના બગીચાઓ અને તળાવોના સુવ્યવસ્થિત વિકાસથી માત્ર શહેરનું સૌંદર્ય જ વધશે નહીં, પરંતુ નાગરિકોને ગુણવત્તાસભર જાહેર સુવિધાઓ, મનોરંજન અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ પણ ઉપલબ્ધ થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments