
મોરબી, તા. 14 જુલાઈ: મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા “નમસ્તે દિવસ” નિમિત્તે સફાઈકર્મીઓના સન્માન, આરોગ્ય સુરક્ષા અને કાર્યપ્રતિ પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, દંડક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શહેરની સ્વચ્છતા જાળવવામાં નોંધપાત્ર કામગીરી કરનાર કર્મચારીઓનું પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં શ્રેષ્ઠ સેનિટરી ઈન્સ્પેક્ટર તરીકે ધારા પટેલ, શ્રેષ્ઠ સેનિટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે મીના વાઘેલા તેમજ શ્રેષ્ઠ સફાઈકર્મી તરીકે આશાબેન પઠાણને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સફાઈકર્મીઓના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા કાર્યક્રમ અંતર્ગત તમામ સફાઈકર્મીઓને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબોની ટીમ દ્વારા આરોગ્ય તપાસ, જરૂરી પરામર્શ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

મોરબી મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે સફાઈકર્મીઓ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને તેમના આરોગ્ય, સુરક્ષા તથા કલ્યાણ માટે ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો નિયમિતપણે આયોજિત કરવામાં આવશે.





















