HomeAllમોરબીમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરનારી દેવીપૂજક ગેંગ ઝડપાઇ ગઈ

મોરબીમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરનારી દેવીપૂજક ગેંગ ઝડપાઇ ગઈ

બે ચકચારી બનાવોમાં સંડોવાયેલા 3 શખ્સો અને 1 કિશોર ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી અને લૂંટના ઈરાદે ખેતરોમાં ત્રાટકી ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરનારી હળવદ પંથકની દેવીપૂજક ગેંગનો મોરબી એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. અત્યંત ગંભીર અને ચકચાર મચાવનાર બે અલગ-અલગ બનાવોમાં સંડોવાયેલા 3 આરોપી અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમ બનાવમાં ગત તારીખ 04/06/2026ના રોજ રાત્રિના આશરે 10:30 વાગ્યે મોરબી તાલુકાના એક ગામની સીમમાં આવેલી વાડીમાં પાંચ જેટલા શખ્સો ચોરી અને લૂંટના ઈરાદે ઘુસી આવ્યા હતા. ખેતમજૂરો જાગી જતા આરોપીઓએ “છોકરી શોધવા આવ્યા છીએ” તેવું બહાનું ઉભું કર્યું હતું. બાદમાં મહિલાના પતિના ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને એક આરોપીએ 22 વર્ષીય પરિણીતાને છરીની અણીએ બળજબરીપૂર્વક દુષ્કર્મનો ભોગ બનાવી હતી.

જ્યારે બીજા બનાવમાં તારીખ 05/06/2026ના રોજ વહેલી સવારે આશરે 2 વાગ્યે મોરબી તાલુકાના અન્ય એક ગામની સીમમાં પાંચ શખ્સો છરી અને ધોકા જેવા હથિયારો સાથે ધાબા પર સૂતેલા મજૂરો પાસે પહોંચી ગયા હતા. આરોપીઓએ દાગીના અને રોકડની માંગણી કરી હતી. મજૂરો પાસે કશું ન હોવાનું જણાતા મહિલાના પતિની નજર સામે જ ત્રણ આરોપીઓએ 23 વર્ષીય પરિણીતાને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બંને બનાવોને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આઈજી ચિરાગ કોરડીયા અને એસપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આર.સી. ગોહિલની આગેવાનીમાં એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો રચી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના માથક અને કડીયાણા ગામ સાથે સંકળાયેલી દેવીપૂજક ગેંગ આ ગુનાઓમાં સંડોવાયેલી છે. જેના આધારે પોલીસે કડીયાણા ગામેથી નવઘણભાઈ કાળુભાઈ વાઘેલા (ઉ.વ.21), દિલીપ ઉર્ફે દિપો કેશાભાઈ વાજેલીયા (ઉ.વ.20), મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલીયા (ઉ.વ.23) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ 16 વર્ષીય કિશોરને ઝડપી પાડ્યા હતા. જ્યારે દિનેશભાઈ મધુભાઈ જખાનીયા (રહે. માથક, તા. હળવદ) હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.20 હજાર કિંમતના 4 મોબાઈલ ફોન તથા રૂ.30 હજાર કિંમતની એક મોટરસાયકલ મળી કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે અવાવરું ખેતરોમાં એકલવાયા રહેતા મજૂરોને નિશાન બનાવી લૂંટ ચલાવતા હતા અને મહિલાઓ હાજર હોય તો દુષ્કર્મ આચરતા હતા. આરોપી નવઘણ અને દિલીપ વિરુદ્ધ અગાઉ પણ પરા હળવદ પોલીસ મથકે ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

આ બનાવોને ધ્યાને લઈ મોરબી પોલીસે ખેડૂતો અને વાડી માલિકોને અપીલ કરી છે કે પરપ્રાંતીય મજૂરો માટે મજબૂત દરવાજાવાળા મકાનોની વ્યવસ્થા કરવામાં આવે તેમજ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. સાથે જ રાત્રિના સમયે મજૂરોને દાગીના અને મોટી રોકડ સાથે ન રાખવા તેમજ મહિલા મજૂરો માટે ગામની હદમાં કે લોકો વચ્ચે સુરક્ષિત રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ, મોરબી તાલુકા પીઆઈ એન.એસ. વેટીયા, એલસીબી પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો પીએસઆઈ વી.જી. માલાણી સહિત એલસીબી, પેરોલ ફર્લો અને તાલુકા સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments