HomeAllમોરબીમાં મનોજ પનારા સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર અને SPને આવેદન

મોરબીમાં મનોજ પનારા સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર અને SPને આવેદન

સામાજિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે સર્વ સમાજના નેજા હેઠળ રેલી; તાત્કાલિક ધરપકડની માંગ

મોરબી : મોરબી જિલ્લામાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે સામાજિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે નિલેશ એરવાડિયા સહિતના લોકો દ્વારા સર્વ સમાજના નેજા હેઠળ રેલી યોજી જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મનોજ પનારા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે મનોજ પનારા દ્વારા વિવિધ સમાજો વચ્ચે વર્ગવિગ્રહ સર્જાય તેવા ભાષણો કરવામાં આવે છે તેમજ યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ મામલે BNSની કલમ 196 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનોજ પનારા સહિત અન્ય સાત લોકો સામે FIR નોંધાઈ હોવાનું પણ જણાવાયું છે.

રેલીમાં જોડાયેલા નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે વિવિધ સમાજના લોકો સંકળાયેલા છે અને તમામ સમાજો વચ્ચે નૈતિક તથા સામાજિક વ્યવહારો રહેલા છે. મોરબી જિલ્લામાં સામાજિક એકતા અને શાંતિ જળવાઈ રહે તેમજ જ્ઞાતિવાદી વિવાદો ઊભા ન થાય તે હેતુથી આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

નિલેશ એરવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં જ્ઞાતિવાદ ફેલાવનારા તત્ત્વો સામે કડક પગલાં લેવાં જોઈએ. તેમણે આ અંગે પ્રતિકાત્મક ભાષામાં “જાતિવાદી કીડાઓ સામે ડીડીટી દવા છાંટીને તેનો ઈલાજ કરવો જોઈએ” તેમ જણાવ્યું હતું.

આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય રામભાઈ ગોજીયાએ આક્ષેપ કર્યો હતો કે મનોજ પનારા પોતાની પ્રસિદ્ધિ માટે હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનો અને વર્ગવિગ્રહ સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મનોજ પનારા સામે ગુનો નોંધાયો હોવા છતાં હજુ ધરપકડ કરવામાં આવી નથી અને તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

રામભાઈ ગોજીયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે મનોજ પનારા 15થી 25 વાહનો સાથે લોકો પાસે જઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે તેમજ એક વીડિયોમાં પિસ્તોલ માંગતા હોવાનું જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે સર્વ સમાજના લોકો એકત્ર થઈને તંત્ર સમક્ષ કડક કાર્યવાહીની માંગ સાથે રજૂઆત કરી છે.

આવેદનપત્ર મારફતે મોરબી જિલ્લામાં સામાજિક શાંતિ, એકતા અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments