
મોરબી : મોરબી જિલ્લાના પોસ્ટલ કર્મચારીઓએ ભારતીય ફેડરેશન યુનિયનના આદેશ મુજબ પોતાની 9 પડતર માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. નાના કર્મચારીઓ પર ટાર્ગેટ પૂરા કરાવવા માટે થતું દબાણ અને વિભાગની ખાનગીકરણની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તેમજ ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

મુખ્ય માંગણીઓ અને વિરોધના કારણોમાં ટાર્ગેટના નામે થતું દબાણ મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. સંગઠન મુજબ નાના કર્મચારીઓ પર પ્રેશર અને શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓને પોતાના ઘરના પૈસાથી ખાતા ખોલીને ટાર્ગેટ પૂરો કરવા મજબૂર કરવામાં આવે છે, જેને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

પોસ્ટલ વિભાગને ખાનગીકરણ તરફ લઈ જતી નीतિઓ અને રીતિઓનો પણ વિરોધ નોંધાયો છે. સંગઠનો સરકારે અને વિભાગે ખાનગીકરણ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ સત્વરે રોકવા માંગણી કરી છે.

તે ઉપરાંત પોસ્ટ ઓફિસથી 20 કિમીના દાયરામાં એક જ આઇડીસી (IDC) ઓફિસથી ડિલિવરી કરવાના નિર્ણયનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે આ નિયમ અમલમાં રહે તો સેવા વિતરણ અને કાર્યપ્રણાલીમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

આંદોલન માટેની જાહેરાત મુજબ 27 જુલાઈ સુધી તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે. 5 ઓગસ્ટના રોજ એક દિવસીય હડતાળ પાડી પ્રદર્શન તેજ કરવામાં આવશે. માંગણીઓ ન સંતોષાય તો 18 ઓગસ્ટથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.

આ અંગેની વિસ્તૃત માહિતી ભારતીય યુનિયન (પી-4)ના ગુજરાત સર્કલ સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગર દ્વારા આપવામાં આવી છે.



















