તંત્રને સાંજે 4 વાગ્યા સુધીનો અલ્ટીમેટમ : મહિલાઓ સહિત સ્થાનિકોએ રજૂઆત કરી, કાયમી ઉકેલની માંગ



મોરબી : રવાપર વિસ્તારમાં રોડની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા રવાપર ચોકડી ખાતે શરૂ કરવામાં આવેલો ચક્કાજામ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. સ્થાનિકોએ તંત્રને સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપતાં ચક્કાજામ હટાવ્યો હતો. જોકે, ત્યારબાદ મોટી સંખ્યામાં સ્થાનિકો થાળીઓ વગાડતા વિરોધ નોંધાવતા સુપર માર્કેટ સ્થિત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની કાર્યાલયે પહોંચ્યા હતા.

ધારાસભ્યની ઓફિસે પહોંચેલા સ્થાનિકોએ કાર્યાલયમાં પ્રવેશ કરીને થાળીઓ વગાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ સહિતના રહેવાસીઓએ કાર્યાલયમાં હાજર પ્રતિનિધિઓ સમક્ષ રોડ સહિતની પડતર સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી અને લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું હતું કે જો તંત્ર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

રવાપર રોડ મુદ્દે ધારાસભ્ય કાર્યાલય સુધી પહોંચેલા આ વિરોધ પ્રદર્શનને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.





















