HomeAllમોરબીમાં સરદાર સેના દ્વારા કિસાન સંમેલન યોજાયું; ખેડૂત આગેવાનોએ સરકાર સામે આક્રોશ...

મોરબીમાં સરદાર સેના દ્વારા કિસાન સંમેલન યોજાયું; ખેડૂત આગેવાનોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો

મોરબી શહેરના રવાપર ચોકડી નજીક સરદાર સેના દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં વિવિધ ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂત હિત, વીજ લાઇનના પ્રશ્નો અને સરકારની નીતિઓ અંગે આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કરી ખેડૂતોને એકતા જાળવી પોતાના હકો માટે લડત ચાલુ રાખવાની અપીલ કરી હતી.

સંમેલનમાં સંબોધન કરતાં ખેડૂત આગેવાન કારુભાઈ અમૃતિયાએ હિટાચી મશીન સળગાવવાના કેસમાં નીલેશ એરવાડિયાને અપાયેલી નોટિસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તેઓ આખી રાત જેતપર ખાતે હાજર હતા અને રોડની નીચે પણ ઉતર્યા ન હતા. તેમ છતાં નોટિસ આપવામાં આવી હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે આ નોટિસનો જવાબ આપવા તેઓ સોમવારે સંબંધિત કચેરીમાં રજૂ થશે.

કારુભાઈ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમને કોઈ રાજકીય પદ કે સત્તાની ઇચ્છા નથી અને તેઓ માત્ર ખેડૂતોના હિત માટે જ લડી રહ્યા છે. જેતપર વિસ્તારમાં 9 વીજ લાઇન પસાર થવાના પ્રશ્ને ખેડૂતોની જમીનને થનારા નુકસાન અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ અનેક ખેડૂતોની ખેતીને ગંભીર અસર થવાની સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોના હિતોની રક્ષા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત અલ્પાબેન પટેલે પોતાના સંબોધનમાં ખેડૂતોને સંગઠિત રહી પોતાના હકો માટે લડત મજબૂત કરવાની હાકલ કરી હતી. તેમણે સરકારની નીતિઓની ટીકા કરતાં ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોને એકતા જાળવી લોકશાહી માધ્યમોથી પોતાના અધિકારો માટે સક્રિય રહેવા અપીલ કરી હતી.

કિસાન સંમેલન દરમિયાન ખેડૂત હિતોના વિવિધ મુદ્દાઓ, વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર, ખેતી બચાવવા જરૂરી પગલાં તથા સરકાર સમક્ષ રજૂઆતને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતે ખેડૂત આગેવાનોએ ખેડૂતોને સંગઠિત રહી આગામી કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments