મોરબીમાં સરદાર સેના દ્વારા કિસાન સંમેલનનો પ્રારંભ

વીજલાઈન વળતર સહિત ખેડૂતોના પ્રશ્નોને લઈ લડતને વધુ વેગ આપવા આગેવાનોનું આહ્વાન

મોરબી : મોરબીના રવાપર ચોકડી ખાતે સરદાર સેના-ગુજરાતના બેનર હેઠળ આયોજિત કિસાન સંમેલનનો શનિવારે રાત્રે પ્રારંભ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અને આરતી અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સંમેલનમાં વીજલાઈન વળતર સહિત ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખી આગામી લડત અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

તાજેતરમાં નિલેશ એરવાડિયાએ વીજલાઈનના વળતર મુદ્દે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ઠરાવનો વિરોધ વ્યક્ત કરતાં ખેડૂતોના હિત માટે “સરદાર સેના”ની રચનાની જાહેરાત કરી હતી. તે અનુસંધાને આજે રવાપર ચોકડી ખાતે કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોના અધિકારો અને પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠિત લડતનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે.

રાત્રે અંદાજે 9:30 વાગ્યે શરૂ થયેલા આ સંમેલનમાં નિલેશ એરવાડિયા, કારુંભાઈ અમૃતિયા, નિલેશ અઘારા, પાટીદાર આંદોલનના ચિરાગ પટેલ સહિત અનેક ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ આગેવાનો દ્વારા મંચ પરથી ખેડૂતોના પ્રશ્નોને લઈને પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે તેમજ આગામી આંદોલનની દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નિલેશ એરવાડિયાએ સરદાર સેનાની રચનાને ખેડૂતોના હિત માટેની નવી શરૂઆત ગણાવી છે અને ખેડૂતોને યોગ્ય વળતર તથા ન્યાય અપાવવા માટે વધુ સશક્ત અને વ્યાપક લડત ચલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.