
મોરબીના શનાળા રોડ ઉપર વાહનને સાઈડ આપવા બાબતે સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી.આ ગુનામાં આરોપીને કડક સજા થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પીપી તરીકે મોરબી જિલ્લાના સરકારી વકીલની નિમણૂક કરવામાં આવેલ છે

મોરબીમાં આસરે 6 મહિના પહેલા શનાળા રોડ ઉપર સુપર માર્કેટ નજીકથી સોની યુવાન જતીનભાઈ રસિકલાલ આડેસરા (36) પોતાની કાર નંબર જીજે 36 એએફ 4466 લઈને પોતાના પરિવાર સાથે રાજકોટથી પરત આવીને તેના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં રંગોલી આઈસ્ક્રીમ સામે સ્કૂટરને સાઈડ આપવા બાબતે યુવાનની કાર ઉભી રખાવવામાં આવી હતી.

અને ત્યાર બાદ બોલાચાલી કરીને સ્કૂટર ઉપર આવેલા શખ્સો પૈકીના એક શખ્સે સોની વેપારીને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના 3 ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા સોની વેપારીનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરી હતી.

દરમિયાન આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે મહત્વનો નિર્ણય કરીને સ્પેશિયલ પીપી તરીકે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની નિમણૂક કરવામાં આવેલ છે





















