

મોરબી, તા. 14 જુલાઈ: અદાણી વીજપોલ માટે જમીન સંપાદનના વળતર મુદ્દે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ જોવા મળતા આજે મોરબી ખાતે વિશાળ પગયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી હજારો ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા અને પોતાના હક્કના વળતરની માંગ સાથે એકજૂટતા દર્શાવી હતી.

પગયાત્રા દરમિયાન ખેડૂતો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે હાલ અમલમાં રહેલી વળતર યોજના ખેડૂતોને માન્ય નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્તમાન વળતરથી તેમને આર્થિક નુકસાન સહન કરવું પડે છે, તેથી સરકાર દ્વારા આ યોજનાનો પુનઃવિચાર કરી ખેડૂતોને ન્યાયસંગત વળતર આપવામાં આવે.

રેલીમાં ઉપસ્થિત ખેડૂતોનું કહેવું હતું કે આ કાર્યક્રમ માત્ર વિરોધ રેલી નહીં પરંતુ ખેડૂતોની એકતા, તેમના હક્ક અને ન્યાય માટેનો સંકલ્પ દર્શાવતો કાર્યક્રમ છે. મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિએ આંદોલનને વધુ મજબૂત બનાવ્યું હતું.

આ પ્રસંગે ખેડૂતોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી સરકાર સમક્ષ વળતર અંગે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી.





















