
મોરબી, તા. ૧૪ જુલાઈ : ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા (જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર) ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમયગાળા માટે ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર (DPO) ની એક જગ્યાની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ જગ્યા માટે ઉમેદવારે માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) ની ડિગ્રી લઘુત્તમ ૭૦ ટકા ગુણ સાથે પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે. ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડિપ્લોમા અને સરકારી અથવા બિનસરકારી સંસ્થામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તારીખ ૧૦-૦૬-૨૦૨૬ની સ્થિતિએ ઉમેદવારની મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી પામનાર ઉમેદવારને માસિક રૂ. ૨૫,૦૦૦નું એકત્રિત ફિક્સ વેતન ચૂકવવામાં આવશે, જેમાં રૂ. ૨૦,૦૦૦ બેઝિક પગાર અને રૂ. ૫,૦૦૦ ભથ્થાનો સમાવેશ થાય છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તા. ૧૫-૦૭-૨૦૨૬થી તા. ૨૫-૦૭-૨૦૨૬ દરમિયાન ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમિયાન મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી નિયત અરજીપત્રક મેળવી લેવું. સંપૂર્ણ ભરેલું અરજીપત્રક જરૂરી આધાર-પુરાવાઓની સ્વ-પ્રમાણિત નકલો સાથે રૂબરૂ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ દ્વારા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાં જમા કરાવવાનું રહેશે.

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા. ૨૫-૦૭-૨૦૨૬ રહેશે. ત્યારબાદ પ્રાપ્ત થતી અરજીઓ માન્ય ગણાશે નહીં. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈ-મેઈલ મારફતે રૂબરૂ ઈન્ટરવ્યૂ અંગે જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ આખરી અધિકારો મોરબી કલેક્ટરશ્રી હસ્તક રહેશે, તેમ જિલ્લા તંત્રની યાદીમાં જણાવાયું છે




















