
ચાલુ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસુ ખેંચાયું છે અને સર્વત્ર જળ સંક્ટ તોળાઇ રહ્યું છે. ખાસ કરીને અર્ધો જુલાઇ માસ વિતી ગયો છે છતાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ હજુ જોઇ એવી મહેર કરી નથી આથી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી પાણીની બુમરાણ ઉઠવા લાગી છે.

અને મોટા ભાગના વિસ્તારોમાંથી સૌની યોજનાના નીરની ડીમાન્ડ થવા લાગી છે ત્યારે સિંચાઇ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સહિત એક ડઝન જેટલા ડેમો સૌની યોજનાના સહારે આવી ગયા છે.

રાજકોટ સિંચાઇ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે એક ડઝન ડેમોમાં અત્યારે સૌની યોજનાની પાણી ઠલવાઇ રહ્યું છે તેમાં રાજકોટનો આજી-1 અને ન્યારી-1 ઉપરાંત સૌરાષ્ટ્રના નાયકા,

રાનીપત, ખંભાલીયા, મચ્છુ-1, સેતુબંધ, ગોમા, દેવધારી, માલગઢ, કર્ણુકી, ઓઝત અને ધોળી ધજા ડેમોનો સમાવેશ થાય છે. આમ સૌરાષ્ટ્રના એક ડઝનથી વધુ ડેમો હાલમાં સૌની યોજનાના સહારે આવી ગયા છે.

વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના 11, મોરબીના-3, જામનગરના 14, દ્વારકાના 12 તેમજ સુરેન્દ્રનગરના 7 અને પોરબંદર તથા અમરેલી જિલ્લાના બે ડેમો સાવ તળીયે આવી ગયા છે. આમ સૌરાષ્ટ્રના 60 જેટલા ડેમોમાં હાલમાં માત્ર 12થી 0.44 ટકા જેટલું જળ સંગ્રહ છે અને હજુ પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સપ્તાહ સુધી વરસાદની કોઇ મોટી શક્યતા દર્શાવી નથી ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોની સ્થિતિ ખુબ જ ચિંતાજનક થઇ જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ જામનગર જિલ્લાની અને દ્વારકા જિલ્લાની છે. જામનગર જિલ્લાના 14 અને દ્વારકા જિલ્લાના એક ડઝન ડેમોમાં માત્ર 10 થી બે ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે. રાજકોટની વાત કરીએ તો આજી અને ન્યારીમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર નર્મદાના નીર ઠલવાઇ રહ્યા છે તેથી આજની સ્થિતિએ રાજકોટને પીવાના પાણીની ખાસ કોઇ સમસ્યા દેખાતી નથી. પરંતુ જો ચોમાસુ હજુ ખેંચાઇ તો પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની શકે છે.



















