કલેક્ટરના આદેશ બાદ ખનિજ વિભાગની કાર્યવાહી, પ્લાન્ટ અને ટ્રક કરાયા જપ્ત

મોરબી : મોરબી જિલ્લાના ઘરસપુર ગામ નજીક બિનઅધિકૃત રીતે ખનિજનું ખનન તથા પ્રોસેસિંગ થતું હોવાનું સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખનિજ વિભાગે સ્થળ પર તપાસ કરી પ્લાન્ટ અને ટ્રક જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ખનિજ વિભાગની ટીમે ઘરસપુર વિસ્તારમાં ઓચિંતી ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મંજૂરી વિના ખનિજનું ખનન તેમજ તેનું પ્રોસેસિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ટીમ દ્વારા સ્થળ પર રહેલા સાધનો, પ્લાન્ટ અને ટ્રકને કબ્જે લઈ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અંગે ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે ગંભીરતા દાખવી ખનિજ વિભાગને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ અનુસંધાને ખનિજ વિભાગ, ભૂસ્તરશાસ્ત્રી ટીમ અને સ્થાનિક તંત્રની સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી.

ખનિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે બિનઅધિકૃત ખનન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને જિલ્લામાં જ્યાં પણ ગેરકાયદેસર ખનન થતું હશે ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહી બાદ ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવનારા દિવસોમાં વધુ સઘન ચકાસણી હાથ ધરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
























