
ધર્મેન્દ્ર પ્રધાનના: રાજીનામા બાદ, વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો છે. તેઓ તેમના વર્તમાન મંત્રાલયો ઉપરાંત શિક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળશે. આદેશ મુજબ, પ્રહલાદ જોશી હાલ પૂરતો શિક્ષણ મંત્રાલયનું કામકાજ જોશે, જ્યારે તેમના હાલના વિભાગો યથાવત રહેશે.

દેશભરમાં ચકચાર મચાવનારા NEET-UG પરીક્ષા વિવાદ અને તે પછી શરૂ થયેલા મોટા આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. આ સાથે જ શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાના વર્તમાન મંત્રાલયોની સાથે શિક્ષણ મંત્રાલયનું કામકાજ પણ સંભાળશે.

3 મે 2026થી શરૂ થયો હતો સમગ્ર વિવાદ: આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 3 મે 2026ના રોજ થઈ હતી. NEET-UG પરીક્ષા બાદ પેપર લીક અને ગડબડીના ગંભીર આરોપો સામે આવ્યા હતા. પરીક્ષાની નિષ્પક્ષતા પર સવાલો ઉઠતા વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો, જેણે ધીમે ધીમે એક મોટા દેશવ્યાપી આંદોલનનું રૂપ લઈ લીધું હતું.

CJIની ટિપ્પણી બાદ વાતાવરણ વધુ ગરમાયું: આંદોલન દરમિયાન 15 મેના રોજ કોર્ટમાં એક સુનાવણી સમયે CJI સૂર્યકાંતની એક ટિપ્પણીથી નવો વિવાદ ઊભો થયો હતો. તેમણે ‘કોકરોચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ ટિપ્પણી સામાન્ય યુવાનો માટે નહીં, પરંતુ બોગસ ડિગ્રીના આધારે વ્યવસાયમાં આવતા લોકો માટે હતી.

CJPનું જંતર-મંતર પર ચાલી રહેલું આંદોલન સમાપ્ત: આ મુદ્દે 6 જૂનથી કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. સરકાર સાથે ત્રણ તબક્કાની સફળ વાટાઘાટો બાદ CJPએ પોતાનું આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી છે.

સરકારે સ્વીકારી આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ : સરકાર વતી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહે CJPના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. સરકારે શિક્ષણ મંત્રીના રાજીનામા ઉપરાંત પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી 15થી 20 FIR રદ કરવા અને ભવિષ્યમાં કોઈ કાર્યવાહી ન કરવાની લેખિત ખાતરી આપી છે.

પીડિત પરિવારોને વળતર અને શૈક્ષણિક સુધારા પર સંમતિ: આ ઉપરાંત NEET વિવાદ સંબંધિત આત્મહત્યા કરનારા પરીક્ષાર્થીઓના પરિવારોને નિયમો મુજબ સન્માનજનક વળતર આપવા સરકાર તૈયાર થઈ છે. CJPએ રજૂ કરેલા 5 પોઈન્ટના શૈક્ષણિક સુધારા ચાર્ટર પર 4 અઠવાડિયા પછી આગળની ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે.
























