
વાંકાનેર: વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.


ભારે વરસાદને કારણે અબોલ જીવોને ખોરાકની તકલીફ ન પડે તે હેતુથી મંડળના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાય, કૂતરા સહિતના પશુ-પક્ષીઓને સુખડી અને રોટલીનું વિતરણ કર્યું હતું. સાથે જ શહેરના સ્લમ વિસ્તારોમાં વસવાટ કરતા નિઃસહાય અને જરૂરિયાતમંદ બાળકો સુધી નાસ્તો પહોંચાડીને તેમની જરૂરિયાતોને પહોંચી વળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સેવાકાર્યમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ ઉપરાંત શ્રી વેલનાથ યુવક મંડળ, ધમલપરના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા હતા. દાતાશ્રીઓના સહયોગ અને કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનતથી વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ જરૂરિયાતમંદ લોકો તેમજ અબોલ જીવો સુધી ખોરાક પહોંચાડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

ભારે વરસાદ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં માનવસેવા અને જીવદયાને પ્રાથમિકતા આપીને હાથ ધરાયેલા આ સેવાકાર્યે સમાજમાં કરુણા, સહકાર અને માનવતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ મંડળના આ સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરી હતી. (તસ્વીર : અજય કાંજીયા)



























