
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના શિક્ષણ અને પ્રતિભા પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે “તેજસ્વીતા અભિવાદન સમારોહ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટની ઉત્કર્ષ યોજના અંતર્ગત ઉચ્ચ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોના સન્માન માટે આ કાર્યક્રમ યોજાશે.

આ સમારોહની તૈયારીઓના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી તેમની માર્કશીટ મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોની વિગતો પણ એકત્રિત કરવામાં આવી રહી છે, જેથી યોગ્ય વ્યક્તિઓનું સન્માન કરી શકાય.

ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેજસ્વીતા અભિવાદન સમારોહ આગામી દિવસોમાં ગોંડલ ખાતે યોજાશે. કાર્યક્રમની તારીખ, સમય અને સ્થળ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા અને ઉપપ્રમુખ છેલભાઈ જોશીએ સમાજના લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓ તથા મહાનુભાવોને જરૂરી વિગતો અને દસ્તાવેજો સમયસર ટ્રસ્ટ સુધી પહોંચાડવા અપીલ કરી છે, જેથી વધુમાં વધુ પ્રતિભાઓને આ સન્માન સમારોહમાં સ્થાન મળી શકે.



























