

છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને ચાલુ સપ્તાહ પણ રાજયમાં આવો જ ક્રમ જળવાઈ રહેવાનો છે. આગામી તા.26ને રવિવારથી તા.28 સુધી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતનાં મોટાભાગના જીલ્લાઓમાં સંતોષકારક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જિલ્લાઓમાં 7 ઈંચથી પણ વધુ વરસાદ પડે તેવી શકયતા છે.

હવામાન વિભાગના અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહમાં પણ હળવો મધ્યમ વરસાદ જ ચાલુ રહેશે. પરંતુ બંગાળની ખાડીના લો પ્રેશરની અસરથી તા.26થી 28 વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ અને રાજયભરમાં મોટાભાગના સ્થળોએ 2થી 7 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જીલ્લાઓમાં 7 ઈંચથી પણ વધુ વરસાદ પડે તેવી શકયતા છે.

દરમ્યાન આજરોજ પણ સવારથી જ રાજકોટ ઉપરાંત વિવિધ જગ્યાએ તડકો છાંયડો યથાવત રહેવાની સાથે કયાંક કયાંક છાંટા પણ પડયા હતા, જયારે આજે સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 27.6 ડીગ્રી અને લઘુતમ તાપમાન 23.7 ડીગ્રી નોંધાયું હતું. તેમજ સવારે હવામાં ભેજ 87 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. રહી હતી.





















