
ટ્રાફિક નિયમો, નશાકારક દ્રવ્યોથી બચાવ, રાહવીર યોજના અને ઇમરજન્સી સેવાઓ અંગે વિદ્યાર્થીઓને અપાઈ ઉપયોગી માહિતી

મોરબી : પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને સૂચના મુજબ શહેરમાં ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી શનાળા બાયપાસ ખાતે આવેલી માસુમ વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ શાખાના સહયોગથી વિશેષ માર્ગદર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં RTO શાખાના ઇન્સ્પેક્ટર, SOG શાખાના અધિકારીઓ તેમજ મોરબી 108 ઇમરજન્સી સેવા ટીમના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સુરક્ષાનું મહત્વ, વાહન ચલાવવા માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા, નશાકારક દ્રવ્યોના દુષ્પ્રભાવો અને તેનાથી દૂર રહેવાની જરૂરીયાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની રાહવીર યોજના વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની શપથ લેવડાવવામાં આવી હતી. સાથે જ માર્ગ સલામતી અંગેના માહિતીસભર પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત 108 ઇમરજન્સી સેવા ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ વિવિધ જીવનરક્ષક સાધનોનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સીની સ્થિતિમાં 108 સેવાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ વિદ્યાર્થીઓને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ વિષયો અંગે માર્ગદર્શન મેળવી માર્ગ સુરક્ષા અને સામાજિક જવાબદારી પ્રત્યે વધુ જાગૃત બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



















