
વૃક્ષારોપણ, ઔષધીય અને ફળાઉ રોપાઓનું વાવેતર, ચકલીના માળા વિતરણ તથા વિદ્યાર્થીઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ યોજાઈ

મોરબી : ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે નાગલપર (અમરાપર) પ્રાથમિક શાળા ખાતે સેવાકીય અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત શાળાના પરિસરમાં વિવિધ ઔષધીય અને ફળાઉ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને રોપાઓનું વિતરણ, ચકલીના માળા અને ફૂલસ્કેપનું વિતરણ તેમજ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સ્મૃતિમાં તેમના પિતા વિનોદભાઈ મકવાણા દ્વારા દર વર્ષે સમાજોપયોગી અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

શાળાના પરિસરમાં હરડે, ફાલસા, બીજોરા, ખાખરો, બોરસલી, ફણસ, રાયણ, બોર, સીસમ, કાંચનાર, પારિજાત, શેતુર, સરગવો, નગોળ તુલસી, ઈરાની પાન, હાડસાંકળી, જીવંતિકા વેલ, ગળો, લેમન ગ્રાસ, નાગરવેલ, સુગર વેલ, ઇન્સ્યુલિન ટ્રી, એલોવેરા અને પથ્થર ફૂટી સહિતના અનેક ઔષધીય અને ઉપયોગી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ આ રોપાઓના જતન અને સંવર્ધન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ-મોરબીના સચિવ વિશાલભાઈ બરાસરા તથા મોરબી જિલ્લા કન્વીનર ડૉ. જયેશભાઈ પનારાએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને ઔષધીય વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી.

કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના મોરબી જિલ્લા કન્વીનર ડૉ. જયેશભાઈ પનારા, સચિવ વિશાલભાઈ બરાસરા, પર્યાવરણ કન્વીનર ડૉ. ચિરાગભાઈ અઘારા, સેવા કન્વીનર રાજેશભાઈ ડાંગર, જીવીસીએ કન્વીનર વિનુભાઈ મકવાણા, બીકેજે કન્વીનર પંકજભાઈ ફેફર, કૌશિકભાઈ અઘારા, દિલીપભાઈ પરમાર, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રાએ કર્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા તથા પર્યાવરણના સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યક્રમને ઉપસ્થિતોએ સરાહનીય અને પ્રેરણાદાયી ગણાવ્યો હતો.


















