HomeAllતમારા જૂના સ્માર્ટફોનથી ચાલશે ડેટા સેન્ટર્સ! જાણો શું છે ગૂગલનો આ ગ્રીન...

તમારા જૂના સ્માર્ટફોનથી ચાલશે ડેટા સેન્ટર્સ! જાણો શું છે ગૂગલનો આ ગ્રીન પ્લાન

જો તમે તમારો વર્ષો જૂનો સ્માર્ટફોન સસ્તા ભાવે વેચી દેવા કે ઘરમાં કચરા સમજીને ફેંકવા વિશે વિચારી રહ્યા હો, તો થોડું થોભી જાઓ. વિશ્વની દિગ્ગજ ટેક કંપની ગૂગલ હવે આવા નકામા ફોનનો એક એવો અનોખો ઉપયોગ કરવા જઈ રહી છે, જેના વિશે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કંપની આ ફોનને રિફર્બિશ કરીને ફરી વેચવા નથી માંગતી, પરંતુ તેના શક્તિશાળી હાર્ડવેરની મદદથી ‘મિની ડેટા સેન્ટર્સ’ તૈયાર કરવાની યોજના પર કામ કરી રહી છે.

કમ્પ્યુટિંગ ક્ષેત્રે સતત વધી રહેલા ઇલેક્ટ્રોનિક કચરાને અટકાવવા અને પર્યાવરણ પર થતી નકારાત્મક અસરો એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે ગૂગલે એક નવો મેગા રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ નિવૃત્ત થઈ ચૂકેલા સ્માર્ટફોન્સને લો-કાર્બન કમ્પ્યુટિંગ ક્લસ્ટર્સમાં ફેરવવામાં આવશે.

જૂના ફોનમાંથી કેવી રીતે બનશે મિની ડેટા સેન્ટર?

કંપનીનો આ વિચાર ખૂબ જ રસપ્રદ અને પર્યાવરણને અનુકૂળ છે. આ સમગ્ર કન્સેપ્ટને “ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ” નામ આપવામાં આવ્યું છે. ગૂગલના સત્તાવાર બ્લોગ પોસ્ટ અનુસાર, આ ટેક્નોલોજી નીચે મુજબ કામ કરશે:

  • બિનજરૂરી ભાગો દૂર કરાશે: સંશોધકો જૂના સ્માર્ટફોનમાંથી ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને બહારનું બોડી જેવા બિનજરૂરી ભાગો હટાવી દેશે.
  • મધરબોર્ડનો પુનઃઉપયોગ: સ્માર્ટફોનનો મુખ્ય ભાગ એટલે કે તેનું ‘મધરબોર્ડ’ જાળવી રાખવામાં આવશે, જેમાં પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ ઉપલબ્ધ હોય છે.
  • સિસ્ટમ નેટવર્કિંગ: આવા હજારો મધરબોર્ડ્સને એકબીજા સાથે કનેક્ટ કરીને તેના પર લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ અપલોડ કરવામાં આવશે.
  • આધુનિક મેનેજમેન્ટ: આ આખા નેટવર્કને ક્લસ્ટર્સમાં ગોઠવીને ‘કુબરનેટિસ’ જેવી આધુનિક ક્લાઉડ મેનેજમેન્ટ ટેક્નોલોજી દ્વારા ઓપરેટ અને કંટ્રોલ કરવામાં આવશે, જે હાલના સમયમાં મોટા ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાય છે.

આશ્ચર્યજનક બાબત: ગૂગલના જણાવ્યા અનુસાર, માત્ર 25થી 50 સ્માર્ટફોનનું એક નાનું ક્લસ્ટર પણ કેટલાક વર્કલોડ માટે અત્યારના આધુનિક સર્વર જેટલી જ પાવરફુલ કમ્પ્યુટિંગ ક્ષમતા આપી શકે છે. ગૂગલ આ પ્રોજેક્ટ માટે ‘યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિએગો’ના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરી રહ્યું છે. જો આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં આશરે 2000 જૂના પિક્સલ સ્માર્ટફોનથી બનેલું એક વિશાળ ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે.

ગૂગલને આ પ્રોજેક્ટમાં કેમ આટલો રસ છે?

ગૂગલના રિપોર્ટ અનુસાર, કમ્પ્યુટિંગ જગતમાં કાર્બન ફૂટપ્રિન્ટ વધવા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે: પ્રથમ, સર્વર અને સિસ્ટમ ચલાવવા માટે વપરાતી અઢળક વીજળી અને બીજું, નવું હાર્ડવેર બનાવતી વખતે ફેક્ટરીઓમાંથી નીકળતું કાર્બન ઉત્સર્જન.

આજે ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે મોટાભાગના ગ્રાહકો દર ચાર વર્ષે પોતાનો સ્માર્ટફોન બદલી નાખે છે. ફોન ભલે જૂનો થાય, પણ તેના પ્રોસેસર અને સ્ટોરેજ હજુ પણ ખૂબ શક્તિશાળી હોય છે. આથી, આ ઘટકોને નવું જીવન આપીને ઇલેક્ટ્રોનિક કચરો તો ઘટશે જ, સાથે નવા સર્વર્સ બનાવવા માટે થતો મોટો પર્યાવરણીય ખર્ચ પણ બચાવી શકાશે.

શું આ અદ્યતન Nvidiaના AI સર્વર્સની જગ્યા લેશે?

ના, ગૂગલે સ્પષ્ટતા કરી છે કે આ જૂના સ્માર્ટફોન્સ Nvidia જેવી કંપનીઓના સુપર-પાવરફુલ AI સર્વર્સનું સ્થાન નહીં લે. ગૂગલ જેમિની જેવા અત્યંત એડવાન્સ AI મોડલ્સને ટ્રેન કરવા માટે જે હેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવરફુલ GPU ક્લસ્ટર્સની જરૂર પડે છે, તેને આ ફોન રિપ્લેસ નહીં કરી શકે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નાના પાયાના ક્લાઉડ વર્કલોડને વધુ ટકાઉ રીતે સંભાળવાનો છે. આ સ્માર્ટફોન ક્લસ્ટર્સનો ઉપયોગ રોજિંદા સામાન્ય કમ્પ્યુટિંગ કાર્યો, શૈક્ષણિક સંશોધનો, વેબ સર્વિસીસ, યુનિવર્સિટીઓની ગ્રેડિંગ સિસ્ટમ, ક્લાઉડ આધારિત ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ્સ અને ‘જુપીટર નોટબુક’ જેવા પ્લેટફોર્મ્સ ચલાવવા માટે કરવામાં આવશે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિએગોના સંશોધકો આ 2000 ફોનવાળા ક્લસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટર સાયન્સના મુખ્ય કોર્સ જેવા કે ‘સિસ્ટમ્સ પ્રોગ્રામિંગ’ અને ‘પેરેલલ કમ્પ્યુટિંગ’ના અભ્યાસ માટે કરશે. આ અનોખા પ્રયોગથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં પણ મદદ મળશે કે ગ્રાહક કક્ષાનું હાર્ડવેર સતત ડેટા સેન્ટર જેવા ભારે વર્કલોડ હેઠળ લાંબા સમય સુધી કેવું પ્રદર્શન કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments