
ગુજરાત: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ- ૯ અને ૧૦ની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રશ્ન બેન્ક આધારિત કરવામાં આવશે. આ માટે બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શાળાઓને નવી માર્ગદર્શિકા મોકલી છે. નવી વ્યવસ્થા મુજબ શાળાઓ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી પ્રશ્ન બેન્કમાંથી પ્રશ્ન પસંદ કરીને પરીક્ષા લઈ શકશે. આ પદ્ધતિનો હેતુ વિદ્યાર્થીની સમજ, અભ્યાસમાં રસ અને શિક્ષણની ગુણવત્તા વધારવાનો છે.

બોર્ડ દ્વારા ચાર વિષય માટે પ્રશ્ન બેન્ક તૈયાર કરવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. ૨૫ ગુણની રહેશે કસોટી. દરેક પ્રશ્ન બેન્ક આધારિત પરીક્ષા ૨૫ ગુણની રહેશે. પરીક્ષા માટે એક કલાકનો સમય ફાળવવામાં આવશે.

પ્રશ્નો અભ્યાસ આધારિત હશે. શાળાઓએ www.gseb.org પર પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડથી લોગ-ઈન કરીને પ્રશ્ન બેન્ક ડાઉનલોડ કરવાની રહેશે અને તેમાંથી પ્રશ્ન પસંદ કરીને પરીક્ષા યોજવાની રહેશે. નવી પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં માત્ર ગોખણપટ્ટી નહીં, પરંતુ વિષયની સમજ વધશે. પ્રશ્નોના પ્રકારમાં વિવિધતા આવશે. તમામ શાળાઓમાં મૂલ્યાંકનની ગુણવત્તા વધુ એકસરખી રહેશે.

અભ્યાસ ક્રમ આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળશે. બોર્ડ પરીક્ષાની તૈયારી માટે પણ વધુ સારી પ્રેક્ટિસ મળશે. પ્રશ્ન બેન્ક પ્રથમ સત્ર: ૧થી ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ઓનલાઈન ઉપલબ્ધ થશે. બીજું સત્ર: ૧૫થી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ઉપલબ્ધ થશે. પરીક્ષા -પ્રથમ સત્રની કસોટી: ૭થી૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ બીજા સત્રની કસોટી: ૨૧થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬માં લેવાશે.





















