ડો. જીનલ સોલંકીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ‘સમાજ રત્ન’ એવોર્ડ એનાયત

શ્રી મારુ કંસારા કચ્છી સોની જ્ઞાતિ ટ્રસ્ટ, માંડવી-કચ્છ: દ્વારા તા. 2 ઓગસ્ટના રોજ આયોજિત ‘સરસ્વતી સન્માન’ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ અને સમાજ માટેના યોગદાન બદલ ડો. જીનલ પ્રવિણભાઈ સોલંકીને ‘સમાજ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નાની વયથી જ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડો. જીનલ સોલંકીએ શૈક્ષણિક ક્ષેત્રે સતત સિદ્ધિઓ હાંસલ કરી છે. વર્ષ 2006માં ધોરણ-12માં માંડવી તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2008માં PTCમાં સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વર્ષ 2011માં B.Com અને વર્ષ 2013માં M.Comમાં કચ્છ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વર્ષ 2015માં GSETની કઠિન પરીક્ષા પાસ કર્યા બાદ વર્ષ 2024માં વાણિજ્ય વિષયમાં PhDની ઉપાધિ મેળવી હતી. તેમનું સંશોધન ‘An analytical study on CSR activities of selected BSE listed companies’ વિષય પર આધારિત હતું.

છેલ્લા 10 વર્ષથી રાજકોટની શ્રીમતી જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. જીનલ સોલંકી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ અને માર્ગદર્શન આપી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે તેમની નિષ્ઠા, સમર્પણ અને સતત પરિશ્રમને કારણે તેમણે સમાજમાં આગવી ઓળખ ઉભી કરી છે.

શૈક્ષણિક ક્ષેત્રે તેમની અવિરત યાત્રા અને સમાજ પ્રત્યેની નિષ્ઠાની કદરરૂપે ટ્રસ્ટ પરિવાર દ્વારા તેમને ‘સમાજ રત્ન’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સન્માનથી ડો. જીનલ સોલંકીની સિદ્ધિઓને નવી ઓળખ મળી છે અને યુવા પેઢી માટે શિક્ષણ તથા મહેનતના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળી છે. સન્માન બદલ પરિવારજનો, સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલ : મહેશ સોની )




















