{{DK_SUBHEADING}}

મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા આયોજિત ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રાજકોટની વિરાણી સાયન્સ કોલેજ ખાતે યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.





ટુર્નામેન્ટમાં મોરબીની જી. જે. શેઠ કોમર્સ કોલેજના મિહિર કૈલાશગીરી ગોસાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે GMERS મેડિકલ કોલેજના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ દ્વિતીય ક્રમે વિજેતા બની મોરબીનું ગૌરવ વધાર્યું હતું. બંને ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હવે મિહિર ગોસાઈ અને વિસ્મય ત્રિવેદી ઈન્ટર યુનિવર્સિટી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે બંને યુવા ખેલાડીઓ અગાઉ મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તેમજ ખેલ મહાકુંભ સહિતની સ્પર્ધાઓમાં પણ વિજેતા બની ચૂક્યા છે. તેમની આ સિદ્ધિ બદલ ટેબલ ટેનિસ ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો સહિત સમગ્ર મોરબીના ખેલપ્રેમીઓ દ્વારા ચોમેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.





















