
મોરબી: ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા દેશવ્યાપી આંદોલન અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ શ્રમિક પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પ્રમુખ ડી. એન. ઝાલા, ગુજરાત પ્રદેશ મંત્રી સમીરભાઈ જોશી તથા મોરબી જિલ્લા મંત્રી પ્રણવભાઈ નલીનભાઈ ઠાકરની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના હિત, અધિકારો અને આવશ્યક પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત શ્રમિકો સાથે જોડાયેલા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં આશા તથા આંગણવાડી કાર્યકરો-હેલ્પરો, બાંધકામ શ્રમિકો તેમજ મનરેગા યોજના સાથે જોડાયેલા શ્રમિકોના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમાં લઘુત્તમ વેતન, વેતન વધારા, પ્રોત્સાહન, સામાજિક સુરક્ષા, પેન્શન, કામદારો માટેની સુવિધાઓ તથા અન્ય હક્કોની માંગણીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બાંધકામ શ્રમિકોના સંતાનોના શિક્ષણ અને લગ્ન સહાય, પેન્શન સહિતની સુવિધાઓ, બાંધકામ બોર્ડની કામગીરીમાં પારદર્શિતા તેમજ મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને લઘુત્તમ વેતન અને સામાજિક સુરક્ષા સહિતના લાભો આપવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.

ભારતીય મજદૂર સંઘના આગેવાનોએ શ્રમિકોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે અને સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું હતું.




















