
હળવદ: રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હળવદના સરા રોડ ખાતે આવેલી પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ. ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ ભરતીમેળો રોજગારીની સારી તક બની રહેશે.

નોન-મેટ્રિક, એસએસસી, એચએસસી, આઈટીઆઈ, સ્નાતક સહિતની વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા તેમજ ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે.

ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા સહિતના જરૂરી દસ્તાવેજો સાથે ભરતી સ્થળે સ્વખર્ચે નિયત તારીખ અને સમયે અચૂક હાજર રહેવાનું રહેશે.

મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદી મુજબ, રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉથી નામ નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ આ ભરતીમેળામાં હાજર રહી શકશે.




















