
મોરબી: મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે શહેરના શ્રમજીવી અને પછાત વિસ્તારોમાં વસતા 2000થી વધુ જરૂરિયાતમંદ લોકોને દૂધપાક સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું અને શિવની ખરા અર્થમાં આરાધના કરી હતી. અને જીવ રાજી તો શિવ રાજીનો સંદેશ લોકોએ આપ્યો હતો. શ્રાવણ માસ મહાદેવની આરાધના અને ભક્તિનો પવિત્ર સમય માનવામાં આવે છે. ત્યારે પહેલા સોમવારે યંગ ઇન્ડિયા ગ્રુપે દૂધપાક પૂરી શાકાનું ભોજન જરૂરિયાતમંદ લોકોને કરાવ્યુ હતું અને તેઓની જઠરાગ્નિ ઠરી હતી.

ખાસ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ભગવાનને દૂધ અર્પણ કરવાની પોતાની ધાર્મિક પરંપરા છે, પરંતુ એ જ દૂધમાંથી બનેલું પૌષ્ટિક ભોજન જ્યારે કોઈ ભૂખ્યા બાળક, વડીલ કે જરૂરિયાતમંદના પેટમાં જાય છે ત્યારે તેમની ભૂખ શમે છે. કોઈ ભૂખ્યા જીવની ક્ષુધા તૃપ્ત કરવી એ પણ શિવની આરાધનાનું જ જીવંત સ્વરૂપ છે.

ઉલેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આ રીતે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે. ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે ‘જીવ રાજી તો શિવ આપોઆપ રાજી’ નો સંદેશ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવેલ છે.






















