
અમદાવાદ: ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રક્ષાબંધન પર્વને લઈને બહેન-ભાઈઓને શંકા-કુશંકા, મુહૂર્ત અને ચોઘડિયાની માન્યતાઓથી દૂર રહી બહેનની અનુકૂળતા મુજબ આખો દિવસ રાખડી બાંધવાની અપીલ કરવામાં આવી છે. જાથાના જણાવ્યા મુજબ તા. 27 અને 28 ઓગસ્ટ દરમિયાન પુનમનો સમય દર્શાવવામાં આવતો હોવાથી રક્ષાબંધન પર્વે કોઈ ચોક્કસ મુહૂર્ત કે ચોઘડિયાની રાહ જોવાની જરૂર નથી.

જાથાએ જણાવ્યું છે કે રક્ષાબંધન બહેન-ભાઈ વચ્ચેના સ્નેહ, લાગણી અને પ્રેમનું પવિત્ર પર્વ છે. તેથી તા. 28 ઓગસ્ટ, શુક્રવારે આખો દિવસ બહેન પોતાની અનુકૂળતા મુજબ ભાઈને રાખડી બાંધી શકે છે. જાથાએ મુહૂર્ત, ચોઘડિયા, શુભ-અશુભ તથા વિવિધ ફળકથનોના કારણે લોકોમાં ઊભી થતી શંકા અને અસમંજસને દૂર કરવા સકારાત્મક અભિગમ અપનાવવાની અપીલ કરી છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જાગૃત નાગરિકો દ્વારા રક્ષાબંધનના સમય અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના પગલે જાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બહેન-ભાઈના આ સ્નેહના પર્વમાં કોઈ નકારાત્મક વિચાર કે ભય રાખવાની જરૂર નથી. બહેનની અનુકૂળતા મુજબ ગુરુવાર કે શુક્રવારે રાખડી બાંધી શકાય છે અને તેમાં સ્નેહ તથા લાગણીનું આદાનપ્રદાન જ મુખ્ય છે.

જાથાના મત મુજબ તહેવારોની ઉજવણી માટે મુહૂર્ત કે ચોઘડિયા જોવાની કોઈ આવશ્યકતા નથી. 21મી સદીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવી નકારાત્મક ફળકથનો અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જરૂરી છે. પૃથ્વી પર દર ક્ષણે વિવિધ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે અને કુદરત પોતાના નિયમો અનુસાર કાર્ય કરે છે. તેથી શુભ-અશુભની માન્યતાઓ કરતાં સકારાત્મક વિચારસરણી સાથે તહેવારોની ઉજવણી કરવી જોઈએ.

જયંત પંડયાએ વધુમાં જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં અનેક ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા અને લોકો માટે તબીબી સારવાર જ મહત્વપૂર્ણ બની હતી. આ અનુભવમાંથી પણ વૈજ્ઞાનિક અભિગમ અને તર્કસંગત વિચારસરણી અપનાવવાનો બોધપાઠ લેવો જોઈએ. જાથા જ્યોતિષની ચોપડી, મુહૂર્ત, ચોઘડિયા, શુભ-અશુભ કે ફળકથનમાં વિશ્વાસ ધરાવતું નથી, જોકે માનવું કે ન માનવું તે દરેક વ્યક્તિનો વ્યક્તિગત અધિકાર છે.

તા. 28 ઓગસ્ટ, શુક્રવારે સવારે 11 વાગ્યા બાદ જાથા દ્વારા સામૂહિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. બહેન-ભાઈઓ એકબીજાને રાખડી બાંધી સ્નેહનું તાંતણું મજબૂત કરશે. ત્યારબાદ નકારાત્મક ફળકથનો અને ભયજનક આગાહીઓ સામે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી લોકોમાં દૃઢ મનોબળ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તેવા પ્રયાસો કરવામાં આવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકો ખાતે પણ શુક્રવારે સવારે 11 વાગ્યા બાદ રક્ષાબંધન પર્વની ઉજવણી અને રાખડી બાંધવાના કાર્યક્રમો યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, કચ્છ-ભુજ, અરવલ્લી-મોડાસા, આણંદ, ખેડા-નડિયાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, ડાંગ-આહવા, તાપી-વ્યારા, વાવ-થરાદ, દાહોદ, નર્મદા-રાજપીપળા, નવસારી, પાટણ, પંચમહાલ-ગોધરા, બનાસકાંઠા-પાલનપુર, ભરૂચ, મહિસાગર-લુણાવાડા, મહેસાણા, વડોદરા, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર અને સુરત સહિતના વિસ્તારોમાં કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જાથાના કાર્યકરો દિનેશ હુંબલ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, વિનોદ વામજા, અશ્વિન કુગશીયા, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, જે.ડી. ઢોલરીયા, કાર્તિક ભટ્ટ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, વિક્રમ આહિર, ભકિતબેન રાજગોર, ભાનુબેન શેઠીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, એડવોકેટ હર્ષાબેન પંડયા સહિતના કાર્યકરો તેમજ વિવિધ મહિલા મંડળોના સભ્યો રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે.

અંતમાં જાથા દ્વારા તા. 28 ઓગસ્ટ, શુક્રવારે આખો દિવસ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી બહેન-ભાઈ વચ્ચેના સ્નેહ અને લાગણીને મહત્વ આપવાની અપીલ કરવામાં આવી છે. સવારે 11 વાગ્યે સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ સાથે નકારાત્મક આગાહીઓ અને ફળકથનો સામે કાર્યક્રમ યોજી લોકોને મુહૂર્ત-ચોઘડિયાની માનસિકતામાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. 98252 16689 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
















