HomeAllબિનઅધિકૃત ખનન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની કાર્યવાહી

બિનઅધિકૃત ખનન સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની કાર્યવાહી

વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી રૂ. ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ

મોરબી: ૧૯ ઓગસ્ટ: વાંકાનેર તાલુકાના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની માહિતીના આધારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, મોરબીની તપાસ ટીમ દ્વારા તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના અનુસાર કરવામાં આવેલી ક્ષેત્રિય તપાસ દરમિયાન સ્થળ પરથી ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન કરતા પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન મળી આવ્યું હતું. તપાસ ટીમ દ્વારા સ્થળ પર જ કાર્યવાહી હાથ ધરી આશરે રૂ. ૪૦ લાખની કિંમતનું એક્ષકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું હતું.

સીઝ કરાયેલ એક્ષકેવેટર મશીનના માલિક તરીકે કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડીયા, રહે. ખેતરડી, તા. હળવદ, જી. મોરબીનું નામ સામે આવ્યું છે.

બિનઅધિકૃત રીતે ફાયરકલે ખનિજનું ખનન કરવા બદલ સીઝ કરાયેલ એક્ષકેવેટર મશીનને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ની જોગવાઈઓ મુજબ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ખનિજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે નિયમિત તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments