HomeAllજડેશ્વર મહાદેવ મંદિરના પૌરાણિક મેળા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

જડેશ્વર મહાદેવ મંદિરના પૌરાણિક મેળા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

મોરબી: જિલ્લાના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર અને સોમવારને અનુલક્ષીને તા. ૨૨ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાના હોવાથી લજાઈ-વાંકાનેર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામા મુજબ તા. ૨૨ ઓગસ્ટના સવારે ૭:૦૦ વાગ્યાથી તા. ૨૪ ઓગસ્ટના રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી લજાઈ ચોકડીથી વાંકાનેર તરફ જતા સ્ટેટ હાઈવે પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તેમજ લજાઈ ચોકડી, મોરબી રવાપર ગામ, ઘુનડા-સજનપર તથા ટંકારા-ખીજડીયા ચોકડી તરફથી રાતીદેવડી અને વાંકાનેર શહેર તરફ જતા ભારે વાહનો માટે પણ આ પ્રતિબંધ લાગુ રહેશે.

ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે લજાઈ ચોકડી તરફથી વાંકાનેર જવા માટે મિતાણા ચોકડી, વાલાસણ, પીપળીયા રાજ અને અમરસર થઈને વાંકાનેર જવાનો માર્ગ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે વાંકાનેરથી લજાઈ તરફ જતા ભારે વાહનો અમરસર, પીપળીયા રાજ, વાલાસણ, મિતાણા ચોકડી અને ટંકારા થઈને લજાઈ તરફ જઈ શકશે.

જાહેરનામા હેઠળ એસ.ટી. બસો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, શાળા-કોલેજના વાહનો તેમજ દૂધ, શાકભાજી સહિતની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. સામાજિક અને ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા જરૂરી વાહનોને પણ નિયમ મુજબ મુક્તિ આપવામાં આવી છે.

મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને શ્રદ્ધાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments