‘DILRMP’ પ્રોજેક્ટ અંતર્ગત પ્રમોલગેશન બાદની ક્ષતિઓ સુધારવા અને જમીન રેકોર્ડને અધ્યતન બનાવવા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ

મોરબી: Digital India Land Records Modernization Programme (DILRMP) અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રમોલગેશન પૂર્ણ થયેલા ગામોમાં જમીન રેકોર્ડને વધુ ચોક્કસ, પારદર્શક અને અધ્યતન બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જમીનધારકો અને ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવતી વાંધા અરજીઓ, સર્વે નંબરની ક્ષતિઓ તથા માપણી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તબક્કાવાર ગામે-ગામે ખાસ સુધારણા કેમ્પ યોજવામાં આવશે.

આ અભિયાન હેઠળ મોરબી, ટંકારા અને હળવદ તાલુકાના કુલ ૧૧ ગામોને આવરી લેવામાં આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર (કું) અને ઝીંઝુડા ગામે તા. ૨૪ અને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન કેમ્પ યોજાશે.

ટંકારા તાલુકાના ખાખરા અને ગજડી ગામે તા. ૨૮ અને ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬, દેવળીયા અને ધ્રોળીયા ગામે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬થી ૦૧ જાન્યુઆરી, ૨૦૨૭ તથા રાજાવડ અને સખપર ગામે તા. ૦૧ અને ૦૨ માર્ચ, ૨૦૨૭ દરમિયાન વિશેષ સુધારણા કેમ્પ યોજાશે.

હળવદ તાલુકાના જુના અમરાપર અને પલાસણ ગામે તા. ૨૯ અને ૩૦ એપ્રિલ, ૨૦૨૭ તેમજ રાયધ્રા ગામે તા. ૨૮ અને ૨૯ જૂન, ૨૦૨૭ દરમિયાન ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

કેમ્પ દરમિયાન જમીનધારકોની અરજીઓ સ્વીકાર્યા બાદ જરૂરી સ્થળ માપણી અને હકસારીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ નિયમોનુસાર જમીન રેકોર્ડમાં જરૂરી સુધારા અંગે હુકમ કરવામાં આવશે, જેથી જમીનધારકોને તેમની જમીન સંબંધિત નોંધોમાં રહેલી ક્ષતિઓના નિરાકરણ માટે સરળ અને ઝડપી પ્રક્રિયાનો લાભ મળી શકે.

સંબંધિત ગામોના તમામ ખેડૂતો અને જમીનધારકોને પોતાના જમીન રેકોર્ડમાં રહેલી ક્ષતિઓના નિવારણ માટે જરૂરી આધાર-પુરાવા સાથે નિયત તારીખે યોજાનારા વિશેષ સુધારણા કેમ્પમાં ઉપસ્થિત રહી લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.



















