
નવી દિલ્હી: વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે ભારતીય રૂપિયાની સ્વીકાર્યતા અને મજબૂતી વધારવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. વિદેશી વેપાર દરમિયાન અમેરિકી ડોલર પરનું આશ્રય ઘટાડવા તેમજ ભારતીય ચલણ ‘રૂપિયા’

ના આંતરરાષ્ટ્રીયકરણને ઝડપી વેગ આપવા માટે સરકારે નવી નીતિગત વ્યવસ્થા અમલી બનાવી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા વિદેશી વેપાર નીતિ (Foreign Trade Policy) હેઠળ ખાસ સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, જેનાથી દેશના આયાત-નિકાસકારો માટે વૈશ્વિક વેપારના નવા દ્વાર ખુલશે. સરકારના આ માસ્ટરસ્ટ્રોકને કારણે હવે જે નિકાસકારો વિદેશી વેપારના સોદા ડોલરના બદલે ભારતીય રૂપિયામાં પૂર્ણ કરશે, તેમને પણ સરકારની વિવિધ નિકાસ પ્રોત્સાહક યોજનાઓ (Export Incentives) નો લાભ અવિરતપણે મળતો રહેશે.

અગાઉ માત્ર વિદેશી ચલણમાં સોદા ચૂકવાયા હોય તો જ અમુક ચોક્કસ સરકારી લાભો મળતા હતા, પરંતુ નવી જોગવાઈ મુજબ રૂપિયામાં સેટલમેન્ટ કરનાર વેપારીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠવું પડશે નહીં. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રૂપિયાની માગ વધશે અને વૈશ્વિક બજારમાં સ્થાનિક ચલણનો ડંકો વાગશે. આ નીતિગત ફેરફારથી ભારતની વેપાર ખાધ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળ (Foreign Exchange Reserves) પરનું દબાણ નોંધપાત્ર રીતે ઘટશે. ખાસ કરીને સરહદી અને મિત્ર દેશો સાથે રૂપિયામાં વેપાર સરળ બનવાથી વૈશ્વિક આર્થિક અસ્થિરતા વચ્ચે પણ ભારતીય નિકાસ ક્ષેત્ર મજબૂત સ્થિતિમાં રહેશે. આ પગલું ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે, જેનો સીધો લાભ દેશના નાના-મોટા તમામ નિકાસકારોને મળશે.






















