રખડતા ઢોર મામલે મનપા કમિશનરની કડક ચેતવણી, નંદીઘરના પ્રશ્નને કારણે બંધ રહેલી ઢોર પકડ ઝુંબેશ ૧૫ દિવસથી ફરી શરૂ

મોરબી: શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રસ્તા વચ્ચે ઢોરના અડિંગા જામતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.

રવાપર રોડ, શનાળા રોડ, પંચાસર રોડ, નવલખી રોડ, વાવડી રોડ, ગેસ્ટ હાઉસ રોડ, લીલાપર રોડ, કલેક્ટર કચેરી રોડ તેમજ સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં રસ્તા વચ્ચે રખડતા ઢોરને કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત આખલા યુદ્ધની ઘટનાઓને કારણે પણ વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બનતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

આ પરિસ્થિતિને પગલે મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પશુપાલક પોતાના ઢોરને વારંવાર જાહેર રસ્તાઓ પર રખડતા મુક્ત કરશે, તેના ઢોરને કાયમી ધોરણે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે અગાઉ નંદીઘરના પ્રશ્નને કારણે મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ અટકાવવામાં આવી હતી. જોકે, હવે છેલ્લા ૧૫ દિવસથી શહેરમાં ઢોર પકડવાની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે અને જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કમિશનરના જણાવ્યા મુજબ રસ્તા પર રખડતા પશુઓમાં માલિકી ધરાવતા ઢોરની સંખ્યા પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે. પ્રથમ વખત ઢોર પકડાય ત્યારે સંબંધિત પશુપાલક પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવશે. ત્યારબાદ પણ પશુપાલક દ્વારા ઢોરને વારંવાર જાહેર રસ્તા પર છોડી મુકવામાં આવશે તો વધુ કડક કાર્યવાહી કરી ઢોર કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે.

મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી શહેરમાં રખડતા ઢોરના ત્રાસ પર અંકુશ આવે અને રસ્તાઓ પર વાહનચાલકો તથા રાહદારીઓની સલામતી જળવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



















