HomeAllમોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની બેઠક મળી: વિકાસકામો, વેરામાં વ્યાજ માફી સહિતના મુદ્દે...

મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની બેઠક મળી: વિકાસકામો, વેરામાં વ્યાજ માફી સહિતના મુદ્દે ચર્ચા

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા, પરંતુ તેમણે સંકલન સમિતિને લગતા લોકપ્રશ્નો અને વિકાસકામોની વિગતો લેખિતમાં મોકલી હતી. જેને ધ્યાને લઈને બેઠકમાં રજૂ કરાયેલા તમામ પ્રશ્નો અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.

ગત બેઠકના નિર્ણયોને બહાલી આપી વિકાસકામોની સમીક્ષા

બેઠકની શરૂઆતમાં અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત સંકલન સમિતિમાં અગાઉ રજૂ કરાયેલા ગ્રામ પંચાયતના સ્વભંડોળના કામો તેમજ 15મા નાણાપંચ હેઠળ મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પૂર્ણ થયેલા કામોની સત્તાવાર નોંધ પણ લેવામાં આવી હતી.

અરિહંત સોસાયટીના વિકાસકામની દરખાસ્તની પૂર્તતા આ સપ્તાહે થશે

ધારાસભ્ય દ્વારા જનભાગીદારી હેઠળ અરિહંત સોસાયટીના વિકાસકામ માટેની દરખાસ્ત અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, દરખાસ્ત GMFBમાં મોકલવામાં આવી હતી, જેમાં કેટલીક સામાન્ય પૂર્તતા માંગવામાં આવી છે. આ પૂર્તતા ચાલુ સપ્તાહ દરમિયાન મોકલી આપવામાં આવશે, જેથી સોસાયટીના વિકાસકામોને ઝડપથી આગળ વધારી શકાય.

મહાનગરપાલિકામાં ભળેલા વિસ્તારોના વેરા અને વ્યાજ અંગે સ્પષ્ટતા

મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ગ્રામ્ય વિસ્તારોના ટેક્સ તથા તેના વ્યાજ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, અગાઉ વ્યાજની વિસંગતતા દૂર કરવા કચેરી આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો અમલ હાલમાં ચાલુ છે. અગાઉ વ્યાજ સહિત વેરો ભરનાર નાગરિકોને રિબેટ આપી રકમ પરત ચૂકવવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2025 પહેલા જૂની ગ્રામ પંચાયત મુજબનો વેરો લાગુ પડતો હતો, જ્યારે 1 જાન્યુઆરી 2025 બાદ મહાનગરપાલિકામાં સમાવેશ થયા પછી કોર્પોરેશનના નિયમ મુજબ વેરો લાગુ કરવામાં આવ્યો છે. આથી હાલ વ્યાજ અંગે કોઈ પ્રશ્ન બાકી રહેતો નથી.

મિલકત આકારણી માટેના સોગંદનામાની પ્રક્રિયા સરળ બનાવાશે

વેરા વસૂલાત દરમિયાન લેવામાં આવતા સોગંદનામાની પ્રક્રિયા અંગે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, સોગંદનામું લેવાનો મુખ્ય હેતુ માત્ર એટલો છે કે મિલકતની આકારણીથી માલિકી હક અથવા મિલકતનું રેગ્યુલરાઈઝેશન સાબિત થતું નથી.

જોકે નાગરિકોને પડતી અગવડતા ધ્યાનમાં રાખીને ધારાસભ્યના સૂચન મુજબ સોગંદનામાના ફોર્મેટમાં જરૂરી સુધારા કરી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તારના વિકાસકામો અને નાગરિકોને લગતા વિવિધ પ્રશ્નોના સમયસર ઉકેલ તથા વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments