HomeAllસોમવારે જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસે શોભાયાત્રા નીકળશે

સોમવારે જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસે શોભાયાત્રા નીકળશે

વાંકાનેર નજીક સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આજથી ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ

વાંકાનેરથી: આશરે ૧૨ કિલોમીટર દૂર આવેલા સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે તા. ૨૨થી ૨૪ ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પ્રથમ સાંસ્કૃતિક લોકમેળા તરીકે જાણીતા આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડવાની શક્યતા છે.

સોમવાર તા. ૨૪ ઓગસ્ટે દેવાધિદેવ મહાદેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મંદિર પરિસરમાંથી જડેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મંદિરના મહંત તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકમેળાને વિધિવત્ ખુલ્લો મૂકવામાં આવશે.

અગાઉ આ લોકમેળો બે દિવસ માટે યોજાતો હતો, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જડેશ્વર મહાદેવના દર્શન કરવા તેમજ મેળાની મજા માણવા આવતા હોવાથી ચાલુ વર્ષથી મેળાને ત્રિદિવસીય કરવામાં આવ્યો છે. તા. ૨૨થી ૨૪ ઓગસ્ટ દરમિયાન યોજાનારા મેળામાં દૂરદૂરથી આવતા લોકો માટે વિવિધ મનોરંજન અને ખરીદીની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

લોકમેળામાં જુલો, નાવડી, ક્રોસ, ટોરા ટોરા, બ્રેક ડાન્સ, મોતનો કૂવો, રેન્જર, ટાવર, સુનામી, ડ્રેગન ટ્રેન, જલપરી સહિતની વિવિધ રાઈડ્સ તેમજ બાળકો માટેની અનેક નાની રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે.

મેળામાં કટલરી, રમકડાં, નાસ્તા, કોલ્ડ્રિંક, આઈસક્રીમ, રેડીમેડ કપડાં, બુટ-ચપ્પલ, મોબાઈલ એસેસરીઝ, ભરત-ગૂંથણની વિવિધ વસ્તુઓ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના અનેક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. આમ, જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ સાથે યોજાનારો આ ત્રિદિવસીય લોકમેળો શ્રદ્ધા, સંસ્કૃતિ અને મનોરંજનનું અનોખું સંગમ બની રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments